મારું જે થવાનું હશે તે ભલે થાય, હું જુઠું નહીં બોલું.
ડયુસન નામના એક છોકરાએ તેના મહેતાજીની બિલાડી મારી નાખી હતી. મહેતાજી ગુસ્સે થયા હતા, કારણ કે તે બિલાડી તેમને અતિ પ્યારી હતી. મહેતાજી એ બારીએ ઉભા હતા. ત્યાં નીચે ડયુસનની અને બીજા છોકરાઓની વાતચીત સંભળાઈ. તેમાં બીજાે છોકરો ડયુસન ને જુઠ્ઠું બોલવાની સલાહ આપતો હતો. જયારે ડયુસનને કહયું ‘મારું જે થવાનું હશે તે ભલે થાય, હું જુઠ્ઠું નહી બોલું.’ મહેતાજીએ ડયુસનને બોલાવ્યો.
બધા છોકરાઓએ જાણ્યું કે હવે આવી બન્યું પણ ત્યાં તો મહેતાજીએ ડયુસનને ઈનામ આપ્યું અને બધા વિધાર્થીઓને કહ્યુંઃ ‘આ છોકરો બીજા છોકરાના કહ્યા પ્રમાણે ચાલ્યો હોત તો હું ઘણો જ નાખુશ થાત. એટલું જ નહીં પરમેશ્વર પણ નાખુશ થાત. સાચાના ઈશ્વર છે. તારો દાખલો બધાએ લેવો જાેઈએ. તે ખરેખર સાચું કહ્યું છે. તેની કિંમત સો બિલાડી કરતાં પણ વધારે છે.’
બાળકોમાં રહેલા સાચાપણાની મા-બાપે કદર કરવી ઘટે. બાળકોમાં જુઠું બોલવાની ટેવ ન પડે તે સમજાવવા મા-બાપ પણ સત્યનાં ઉપાસક હોવાં ઘટે. મા-બાપ જાે અસત્યનો આશ્રય લેતાં હશે તો બાળકો પણ એ જ શીખવાનાં અને છેવટે અસત્યવાદીઓ જ પૃથ્વી પર વધવાનાં… પણ સત્યની કિંમત ઓછી આંકવાની કોઈ ભૂલ ન કરે !