માર્કેટ યાર્ડો બંધ નહીં થાય, MSP પર કેટલાક લોકો ફેલાવી રહ્યા છે ભ્રમ: વડાપ્રધાન મોદી
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે બિહારને લગભગ 14 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સની ભેટ આપી. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 9 હાઇવે પ્રોજેક્ટની સાથે બિહારના લગભગ 46 હજાર ગામોને ઓપ્ટિકલ ફાઇબર નેટવર્કથી જોડવા માટે ઘર સુધી ફાઇબર યોજનાનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે વડાપ્રધાને કૃષિ બિલનો પણ ઉલ્લેખ કર્યો. વડાપ્રધાને કહ્યું કે ખેડૂતોને આ બિલે કારણે નવી આઝાદી મળી ગઈ છે. હવે તેઓ જ્યાં ઈચ્છે ત્યાં પોતાની ઉપજ વેચી શકશે.
પીએમ મોદીએ કહ્યું કે નવા કૃષિ સુધારોએ દેશના દરેક ખેડૂતને આઝાદી આપી દીધી છે કે તેઓ કોઈને પણ, ક્યાં પણ પોતાનો પાક, શાકભાજી વેચી શકે છે. હવે ખેડૂતોને જો માર્કેટ યાર્ડમાં વધુ લાભ મળશે તો ત્યાં પોતાનો પાક વેચી શકશે. માર્કેટ યાર્ડ સિવાય બીજે ક્યાંક વધુ લાભ મળી રહ્યો હશે તો ત્યાં વેચવા માટે પણ મનાઈ નહીં રહે.
વડાપ્રધાને કહ્યું કે, હું એ સ્પષ્ટ કરી દેવા માંગું છું કે આ કાયદો, આ ફેરફાર કૃષિ માર્કેટ યાર્ડોની વિરુદ્ધ નથી. માર્કેટ યાર્ડોમાં જેવી રીતે પહેલા કામ થતું હતું, તેવું હજુ પણ થશે. આ અમારી એનડીએ સરકાર છે જેણે દેશના માર્કેટ યાર્ડોને આધુનિક બનાવવા માટે નિરંતર કામ કર્યું છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, માર્કેટ યાર્ડોના કાર્યાલયોને ઠીક કરવા માટે, ત્યાંનું કોમ્પ્યૂટરાઈઝેશન કરવા માટે, છેલ્લા 5-6 વર્ષથી દેશમાં ખૂબ મોટું અભિયાન ચાલી રહ્યું છે. તેથી જે એવું કહી રહ્યા છે કે નવા કૃષિ સુધારા બાદ માર્કેટ યાર્ડો સમાપ્ત થઈ જશે, તો ખેડૂતોને બિલકુલ જૂઠું બોલીને ભ્રમ ફેલાવી રહ્યા છે.