Western Times News

Gujarati News

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે પરિવહન વાહનોના ડ્રાઇવરો માટે આવશ્યક લઘુતમ શૈક્ષણિક લાયકાત નાબૂદ કરી

આ પગલું આર્થિક પછાત વર્ગોમાં કૌશલ્ય ધરાવતા લોકો માટે લાભદાયી નીવડશે- સલામતી સુનિશ્ચિત કરવા માટે સક્ષમ ડ્રાઇવરોની તાલીમ અને કડક કૌશલ્ય પરીક્ષણ પર ભાર મૂકવામાં આવશે

 નવી દિલ્હી, સમાજમાં આર્થિક રીતે પછાત વંચિત વર્ગમાં કૌશલ્ય ધરાવતા લોકોને લાભ મળે તેવા આશયથી માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા પરિવહન વાહનો ચલાવવા માટે ડ્રાઇવરોની ભરતીમાં લઘુતમ શૈક્ષણિક લાયકાતની આવશ્યકતાને નાબૂદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય મોટર વાહન કાયદો, 1989ના નિયમ 8 અંતર્ગત, પરિવહન વાહન ચલાવવા માટે ડ્રાઇવરે ઓછામાં ઓછો આઠ ધોરણ પાસ સુધીનો અભ્યાસ કર્યો હોવો આવશ્યક છે.

જોકે, દેશમાં ખૂબ મોટી સંખ્યામાં બેરોજગાર લોકો છે અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં એવા સંખ્યાબંધ લોકો છે જેમણે ઔપચારિક અભ્યાસ નથી કર્યો છતા તેઓ જ્ઞાન અને કૌશલ્યો ખૂબ જ સારા પ્રમાણમાં ધરાવતા હોય છે. પરિવહન મંત્રાલયમાં તાજેતરમાં યોજાયેલી બેઠકમાં, હરિયાણા સરકાર દ્વારા વિનંતી કરવામાં આવી હતી કે આર્થિક રીતે પછાત મેવાત પ્રાંતમાં લોકો તેમની આજીવિકા માટે ડ્રાઇવિંગ સહિત ઓછી કમાણીના કામકાજો પર નિર્ભર હોવાથી ડ્રાઇવરો માટે લઘુતમ શૈક્ષણિક લાયકાતમાંથી તેમને મુક્તિ આપવામાં આવે.

રાજ્ય સરકાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે આ પ્રાંતમાં સંખ્યાબંધ લોકો જરૂરી કૌશલ્ય ધરાવે છે પરંતુ તેમની પાસે આવશ્યક શૈક્ષણિક લાયકાત નથી આથી તેમને ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવામાં ખૂબ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આથી એ બાબત ધ્યાનમાં લેવામાં આવી કે ડ્રાઇવિંગમાં શૈક્ષણિક લાયકાત કરતા આવડત વધુ મહત્વ ધરાવે છે અને સારી લાયકાત ધરાવતા બેરોજગાર યુવાનો માટે લઘુતમ શૈક્ષણિક લાયકાતની શરત અવરોધ ઉભો કરતી હતી. આ આવશ્યકતાને દૂર કરવાથી મોટી સંખ્યામાં બેરોજગાર લોકો માટે રોજગારીની નવી તકો ખુલશે અને ખાસ કરીને દેશમાં યુવાનોને તેનો મોટો લાભ મળશે.

માત્ર આટલું જ નહીં પરંતુ, આ નિર્ણયથી પરિવહન અને માલની હેરફેર ક્ષેત્રમાં વર્તમાન સમયમાં વર્તાઇ રહેલી અંદાજે 22 લાખ ડ્રાઇવરોની અછત પૂરી કરવામાં પણ મદદ મળી રહેશે. આ અછત હાલમાં વિકાસમાં અવરોધ ઉભો કરી રહી છે. જોકે, લઘુતમ શૈક્ષણિક લાયકાતની જરૂરિયાત દૂર કરતી વખતે, મંત્રાલય દ્વારા ડ્રાઇવરોની કડક તાલીમ અને પરીક્ષણ પર ઘણો ભાર મૂકવામાં આવ્યો છે જેથી કોઇપણ સ્થિતિમાં માર્ગ સુરક્ષા સાથે બાંધછોડ ન થાય. ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કરી રહેલી કોઇપણ વ્યક્તિએ કડક કૌશલ્ય પરીક્ષણમાંથી ફરજિયાત પસાર થવું પડશે.

મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું છે કે, મોટર વાહન કાયદો 1988માં ઉલ્લેખ કર્યા અનુસાર કોઇપણ શાળા અથવા સંસ્થા દ્વારા તાલીમ આપવામાં આવે ત્યારે તેમણે સુનિશ્ચિત કરવું જોઇએ કે, ડ્રાઇવર સંજ્ઞાઓ વાંચી શકે છે અને ડ્રાઇવર લોગની જાણવણી, ટ્રક અને ટ્રેઇલરનું નિરીક્ષણ, મુસાફરી પહેલાંના અને મુસાફરી પછીના આંકડા આપવા, દસ્તાવેજી કામગીરીમાં સુસંગતતાની ખાતરી કરવી, સલામતીના જોખમોની જાણ કરવા માટે અસરકારક સંદેશાવ્યવહાર સહિત હેરફેરને લગતી ફરજો તેઓ સારી રીતે નિભાવી શકે છે.

તદુપરાંત, રોજગારલક્ષી તાલીમ અને કૌશલ્ય સુવિધાઓ પૂરી પાડતી શાળાઓ અથવા સંસ્થાઓ રાજ્ય દ્વારા નિયમનકારી નિયંત્રણને આધીન છે. આથી, તેમના દ્વારા આપવામાં આવેલી તાલીમ ઉચ્ચ ગુણવત્તાની હોવી જોઇએ અને ચોક્કસ પ્રકારનું મોટર વાહન ચલાવવા સંબંધિત તમામ પરિબળો તેમાં આવરી લેવા જરૂરી છે.

સર્વોચ્ચ અદાલત દ્વારા લાઇટ મોટર વ્હીકલ્સ ડ્રાઇવિંગ લાઇસન્સ આપવા સંબંધિત કેસમાં તા. 3.7.2017ના રોજ 2011ની સિવિલ અપીલ નંબર – 5826- મુકુંદ દેવગન વિરુદ્ધ ઓરિએન્ટલ કંપની લિમિટેડ અને અન્યોમાં આપવામાં આવેલા ચુકાદાની પણ નોંધ લઇ શકાય જેમાં અદાલતે નિર્દેશો આપ્યા હતા કે લાઇટ મોટર વ્હીકલ્સ (LMV) વર્ગના લાઇસન્સના કિસ્સામાં પરિવહન વાહનોનું લાઇસન્સ મળશે નહીં.

મંત્રાલય દ્વારા શૈક્ષણિક લાયકાત દૂર કરવા માટે મોટર વાહન (સુધારા) ખરડો અગાઉની લોકસભામાં પહેલાથી જ પસાર કરી દેવામાં આવ્યો હતો. આ વિષય પર સંસદની સ્થાયી સમિતિ અને પસંદગી સમિતિ દ્વારા પણ ચર્ચા કરવામાં આવી હતી. ઉપર દર્શાવેલ બાબતોના અનુસંધાનમાં, માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે કેન્દ્રીય મોટર વાહનો 1989ના નિયમ 8માં સુધારો કરવાની પ્રક્રિયા શરૂ કરી છે અને આ સંદર્ભમાં ટૂંક સમયમાં મુસદ્દો પ્રસિદ્ધ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.