માર્ગ સલામતિ જાગૃતિ અભિયાનમાં રિક્ષા ડ્રાઈવર્સ યુનિયન અને ટ્રાફિક પોલિસનો સહયોગ
અમદાવાદ, ગાંધી નિર્વાણ દિન પ્રસંગે ગુરૂવારે મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટીટયુટ (MGLI) ખાતે માર્ગ સલામતિ અંગે યોજાયેલી વર્કશોપમાં માર્ગ સલામતિના નિષ્ણાતો, રિક્ષા ડ્રાઈવરો અને અમદાવાદ ટ્રાફિક પોલિસ સામેલ થઈ હતી. વર્કશોપમાં ભરચક હાજરી વચ્ચે માર્ગ સલામતિ નિષ્ણાત અમિત ખત્રીએ તેમના સંબોધનમાં વધતા જતા ઘાતક માર્ગ અકસ્માતો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યુ હતું કે ટ્રાફિકના નિયમો અંગે જાણકારીનો અભાવ, ખોટી રીતે કરાતું પાર્કીંગ તથા રોંગ સાઈડમાં વાહન ચલાવવાને કારણે માર્ગ અકસ્માતો થાય છે. તેમણે ટ્રાફિકના નિયમોનું પાલન થાય તેવા પગલાં લેવા અનુરોધ કર્યો હતો.
અમદાવાદ ટ્રાફિક પોલિસના પીએસઆઈ, એમ.બી. વિરાજાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે “તે વાહનચાલકો વડે ટ્રાફિકના નિયમોના પાલન મારફતે અમદાવાદને અકસ્માત મુક્ત થયેલું જોવા ઈચ્છે છે. તેમણે સલામત અને સુરક્ષિત ડ્રાઈવીંગ માટે રિક્ષા ડ્રાઈવરોને પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો હતો.”
એક ગાંધીવાદી રિક્ષા ડ્રાઈવર- ઉદયસિંહ જાદવ કે જેમને ‘અમદાવાદનો રિક્ષાવાળો’ ના હુલામણા નામે ઓળખવામાં આવે છે, તેમણે વર્કશોપને સંબોધન કરતાં ટ્રાફિકના નિયમો અંગે વાહનચાલકો તેમજ રાહદારીઓની સલામતિ બાબતે જાગરૂકતા પેદા કરવા અનુરોધ કર્યો હતો.
અમદાવાદના પ્રથમ મહિલા રિક્ષા ડ્રાઈવર અંકિતા શાહ આ સમારંભના વધુ એક વક્તા હતા. તેમણે નોકરી ગૂમાવ્યા પછી નાણાંકીય રીતે આત્મનિર્ભર થવા થોડા સમય પહેલાં જ ડ્રાઈવીંગ શરૂ કર્યું છે. તેમણે રિક્ષા ડ્રાઈવર તરીકે જે પડકારોનો સામનો કરવો પડ્યો તે અંગે તથા આ પડકારોમાંથી કઈ રીતે પાર ઉતર્યા તેની વાત કરી હતી.
અમદાવાદની એક અન્ય મહિલા રિક્ષા ડ્રાઈવર જ્યોતિકા બીપીને પણ વર્કશોપને સંબોધન કરતાં જણાવ્યું હતું કે ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરવામાં આવે તો ટ્રાફિક અકસ્માતોનું નિવારણ કરી શકાય. આ વર્કશોપનું સંચાલન મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટીટ્યુટના પ્રાધ્યાપક ડો. પારૂલ ટીના દોશી અને ડો. વનરાજ વ્યાસે કર્યું હતું.
ડ્રાઈવરોનો પરિચય
ઉદયસિંહ જાદવઃ ઉદયસિંહ જાદવ છેલ્લા 20 વર્ષ કરતાં પણ વધુ સમયથી રિક્ષા ચલાવે છે. તે ‘અમદાવાદનો રિક્ષાવાળો’ ના લાડકા નામે જાણીતા છે. ગાંધીવાદી વિચારધારા અને માન્યતા ધરાવતા ઉદયસિંહ ‘અતિથિ દેવો ભવ’ ના સિધ્ધાંતમાં માને છે. મુસાફરોને તે પોતાના ભગવાન માને છે. તેમની રિક્ષા અન્ય રિક્ષાઓ કરતાં અલગ છે. રિક્ષામાં મિની લાયબ્રેરી છે, જેમાં પુસ્તકો અને અખબારો તથા મેગેઝીન મૂકેલા હોય છે. આ ઉપરાંત ગીતો સાંભળવા માટે એમપીથ્રી પ્લેયર અને નાસ્તા તથા પીવાના પાણીની સુવિધા પણ હોય છે. ઉદયસિંહની અનોખી બાબત એ છે કે તે પેસેન્જરને રિક્ષાના મીટર મુજબ ચાર્જ કરતા નથી. પ્રવાસને અંતે તે મુસાફરોને એક કવર આપે છે અને પેસેન્જરને યોગ્ય લાગે તે રકમ મૂકવા જણાવે છે.
અંકિતા શાહઃ કોલ સેન્ટરની પોતાની નોકરી ગૂમાવ્યા પછી 34 વર્ષની ઉંમરના અંકિતા શાહે રિક્ષા ડ્રાઈવરનો વ્યવસાય સ્વિકાર્યો છે. લોકોને એ જાણીને ખૂબ નવાઈ લાગે છે કે અમદાવાદની આ પ્રથમ રિક્ષા ડ્રાઈવર બીએ વીથ ઈકોનોમિક્સની ડીગ્રી ધરાવે છે. અંકિતા એક વર્ષની હતી ત્યારે પોલિયો થયો હોવા છતાં તેણે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. અંકિતા કોલ સેન્ટરમાં કામ કરતી હતી અને તેણે નોકરી ગૂમાવી હતી. આ પરિસ્થિતિમાં સહેજ પણ ડગ્યા વગર તેમણે ગયા વર્ષે રિક્ષા ચલાવીને સ્વરોજગારનો માર્ગ અપનાવ્યો હતો.
જ્યોતિકા બીપીનઃ જ્યોતિકાએ રિક્ષા ડ્રાઈવીંગનો વ્યવસાય 7 માસ પહેલાં અપનાવ્યો છે. આ વ્યવસાયમાં આવતાં પહેલાં તે અન્ય નોકરીઓ પણ કરી ચૂક્યા છે. તેમના પતિએ તેમને રિક્ષા ચલાવતાં શિખવ્યું હતું. જ્યોતિકા જણાવે છે કે મુસાફરો મહિલાને રિક્ષા ચલાવતાં જોઈને નવાઈ પામે છે. શરૂઆતમાં તેમને પોતાના ડ્રાઈવીંગના કૌશલ્ય અંગે ચિંતા રહેતી હતી. ત્યાર બાદ તેમનામાં આત્મવિશ્વાસ આવ્યો હતો અને પ્રવાસીઓને જ્યાં જવાનું હોય તે સ્થળે સલામતિપૂર્વક પહોંચાડતા થયા હતા. જ્યોતિકા હવે ઑટોમોબાઇલ એગ્રીગેટર્સ સાથે કામ કરે છે અને રિક્ષા ડ્રાઈવર્સના એકતા યુનિયનની સભ્ય પણ છે.