Western Times News

Gujarati News

માર્ચમાં કોરોના દર્દીઓની સંખ્યા દૈનિક ૨ લાખ સુધી પહોંચશે

નવીદિલ્હી, ભારતમાં કોરોના વાયરસના કેસ ફરી વધવા લાગ્યા છે. કોરોનાના નવા વેરિઅન્ટ ‘ઓમિક્રોન’ને લીધે દૈનિક દર્દીઓની સંખ્યામાં સતત ઉછાળો થઈ રહ્યો છે. નવા વર્ષના પહેલા દિવસે ૧ જાન્યુઆરીએ દેશમાં કોરોના વાયરસ સંક્રમણના એક દિવસમાં ૨૨,૭૭૫ નવા કેસ સામે આવ્યા જે છ ઓક્ટોબર પછી સર્વાધિક છે.

દેશમાં હવે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા પણ એક લાખને પાર થઈ ગઈ છે. આ સાથે જ વાયરસના નવા સ્વરૂપ ‘ઓમીક્રોન’ના ૧૬૧ નવા કેસ સામે આવ્યા બાદ આ વેરિઅન્ટના કેસ ૧૪૩૧ થઈ ગયા છે.

કોરોનાની વધતી ગતિ જાેઈને નિષ્ણાતોનું કહેવું છે કે મહામારીની ત્રીજી લહેરનું આગમન પહેલા જ થઈ ચૂક્યું છે અને ઓમિક્રોને ડેલ્ટા વેરિઅન્ટનું સ્થાન લેવાનું શરુ કરી દીધું છે. એટલું જ નહીં, નિષ્ણાતોનું એવું પણ માનવું છે કે ફેબ્રુઆરી કે માર્ચ મહિનામાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ચરમસીમાએ હશે અને એ દરમ્યાન પ્રતિદિન આવનારા કેસની સંખ્યા બે લાખ સુધી પહોંચી શકે છે.

બે ડિસેમ્બરે દેશમાં ઓમીક્રોન સ્વરૂપના પહેલા બે કેસની જાણકારી આપ્યા બાદ સ્વાસ્થ્ય મંત્રાલય એક મિશન મોડમાં કામ કરી રહ્યું છે. ૧૫ ડિસેમ્બર આસપાસ દૈનિક કોરોના દર્દીઓની સંખ્યા આશરે ૬૦૦૦ હતી, પણ હવે અચાનક સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. પરિસ્થિતિ જાેતાં કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સાવધ કર્યા છે કે કોરોનાના કેસ વધી શકે છે એટલે સૌને તૈયાર રહેવાની જરૂર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ નિયમિત રૂપે દેશભરમાં કોવિડ-૧૯, ઓમીક્રોનની સ્થિતિ અને આરોગ્ય પ્રણાલીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે બેઠકો કરી રહ્યા છે. તો કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા નિષ્ણાત ટીમો અને વરિષ્ઠ અધિકારીઓ સાથે દરરોજ પરિસ્થિતિની સમીક્ષા કરે છે.

તેઓ દવાઓ, વેન્ટિલેટરના સ્ટોક અને ઓક્સિજનની ઉપલબ્ધતા વિશે પણ જાણકારી લે છે. આરોગ્ય મંત્રાલયનો ‘વોર રૂમ’ ૨૪ કલાક કામ કરી રહ્યો છે અને તમામ વલણો અને વૃદ્ધિનું વિશ્લેષણ કરી રહ્યો છે તેમજ દેશવ્યાપી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છે. કોરોનાની ત્રીજી લહેર અંગે નિષ્ણાતોમાં મતમતાંતર છે.

નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) ડૉ. વીકે પૌલથી જ્યારે મહામારીની ત્રીજી લહેરની સંભાવના અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે આ એ વાત પર ર્નિભર કરે છે કે લોકોનું રસીકરણ કેટલું થઈ ચૂક્યું છે. તેમણે કહ્યું કે હાલના સમયમાં રસીકરણ જ સંક્રમણ રોકવાનો સૌથી અચૂક ઉપાય છે.

તેમણે કોવિડ-૧૯ પ્રોટોકોલનું પાલન કરવા પણ પર ભાર મૂક્યો. બીજી તરફ કેટલાક નિષ્ણાતો માને છે કે નવા વેરિઅન્ટ ઓમિક્રોનને લીધે કોરોનાના કેસમાં વધારો થશે, પણ તે ડેલ્ટાની સરખામણીએ વધુ ગંભીર નથી. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી કાનપુરના સંશોધકોએ તેમના અભ્યાસમાં દાવો કર્યો છે કે ભારતમાં કોવિડ-૧૯ મહામારીની ત્રીજી લહેર આવતા વર્ષે ૩ ફેબ્રુઆરી સુધીમાં ચરમસીમાએ પહોંચી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.