માર્ચમાં હોળીથી સતત ૬ દિવસ સુધી બેંકો બંધ રહેશે
નવીદિલ્હી, જો માર્ચની શરૂઆતમાં તમારે બેંકને લગતું જરૂરી કામકાજ હોય તો વહેલીતકે જ સમાપ્ત કરી દેજો. માર્ચમાં સતત ૬ દિવસ સુધી બેંક બંધ રહે તેવા એંધાણ છે. બેંકોની હડતાલ અને હોળીની રજાઓના કારણે બેંકોના વ્યવહાર પ્રભાવિત થાય તેવી શક્યતા છે. ૧૦મી માર્ચે હોળીનો તહેવાર છે અને બેંક યૂનિયન દ્વારા ૧૧-૧૩ માર્ચ બેંક બંધનું એલાન થઈ શકે છે. ૪ માર્ચ એ મહિનાનો બીજો શનિવાર છે, અને ૧૫ માર્ચ રવિવારની રજા હશે. ૧૦ માર્ચથી, બેંકો સતત ૬ દિવસ બંધ રહેશે, પરંતુ તે પહેલાં ૮ માર્ચે પણ રવિવાર છે. એટલે કે માર્ચના બીજા અઠવાડિયામાં, બેંકો ફક્ત એક જ દિવસે એટલે કે ૯ માર્ચે ખુલ્લી હશે રિપોટ્ર્સ અનુસાર, બેંક યુનિયનો ૧૧ થી ૧૩ માર્ચ સુધી ત્રણ દિવસની હડતાલની હાકલ કરી શકે છે.
જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારીઓના પગારમાં દર પાંચ વર્ષે સુધારો કરવામાં આવે છે. છેલ્લે ૨૦૧૨ માં બેંક કર્મચારીઓના પગારમાં સુધારો કરવામાં આવ્યો હતો. આ પછી, રિવિઝન ૨૦૧૭માં યોજવાનું બાકી છે. કર્મચારીઓ આ માટે હડતાલ પર છે. આ ઉપરાંત યુનિયનોની પણ માંગ છે કે બેંક કર્મચારીઓને અઠવાડિયામાં બે દિવસની રજા આપવામાં આવે. બેંક કર્મચારીઓની કેટલીક અન્ય માંગણીઓ પણ છે, જેમ કે મૂળભૂત વેતન સાથે વિશેષ ભથ્થું, કૌટુંબિક પેન્શનમાં સુધારણા, વગેરે. ફેબ્રુઆરીમાં પણ ૨૧ થી ૨૩ ફેબ્રુઆરી સુધી બેંકો સતત દિવસો સુધી બંધ રહી હતી. ૨૧ ફેબ્રુઆરી એટલે કે શુક્રવારે મહાશિવરાત્રીના તહેવારને કારણે બેંકમાં રજા હતી. આ પછી ૨૨ ફેબ્રુઆરીએ મહિનાનો ચોથો શનિવાર અને ૨૩ ફેબ્રુઆરીએ રવિવારે બેંકમાં રવિવારની રજા હતી.