માલપુરમાં સગીરા પર વિધિના બહાને દુષ્કર્મ આચરનાર ભૂવાને ૧૦ વર્ષની સજા ફટકારાઈ
મહિસાગરની પરિણીત સગીરાને માલપુરની વાત્રક નદીના પટમાં વિધિ કરવાના બહાને દુષ્કર્મ
ભિલોડા: ૨૧ માર્ચ ૨૦૧૮ના રોજ એક મહિસાગરની સગીર પરિણીતાની સાસુની તબિયત સારી રહેતી ન હોવાથી અંધશ્રધ્ધાનો ભોગ બનીને ધનસુરા તાલુકાના રમાણા ગામના અને ભૂવાનું કામ કરતા શખ્શ પાસે જઈને વિધિ કરાવવાનું નક્કિ કર્યું હતું. સવારે મહિસાગર નદીના પટમાં પૂજા કર્યા બાદ ભૂવાએ બપોરના સમયે માલપુરની વાત્રક નદીમાં વિધિ કરવા માટે સગીરા અને તેના પતિને બોલાવ્યા હતા. પતિને તાંત્રિક વિધિના બહાના હેઠળ થોડે દૂર મોકલી પરિણીતા પર દુષ્કર્મ આચરતા ભારે ચકચાર મચી હતી જેના પગલે માલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા માલપુર પીએસઆઈ કે.ડી.બ્રહ્મભટ્ટે કાંતિ અરજણભાઈ ભરવાડ નામના ભુવાની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો
ધનસુરા તાલુકાના રમાણા ગામના અને ભૂવાનું કામ કરતા કાન્તિ અરજણભાઈ ભરવાડે વિધિ શરૂ કરી મહિસાગર નદી અને વાત્રક નદીનું પાણી એકઠું કરી સગીરાના પતિને આપ્યું હતું અને મોડાસા જઈ માજુમ નદીમાં પાણી અર્પણ કરી આવવા માટે સગીરાના પતિને જણાવ્યું હતું અને સગીરાને વિધિ માટે માલપુર જ રહેવા જણાવ્યું હતું.દરમિયાન અંધશ્રધ્ધામાં અંધ બનેલ પતિ સગીરાને ભૂવા પાસે મુકી મોડાસા જવા નિકળી ગયો હતો. તે સમયે ભૂવાએ સગીરાની એકલતાનો લાભ લઈ વાત્રક નદીમાં પાણી અર્પણ તથા વિધિ કરવાના બહાને તેને નદીની કોતરોમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.
મોડાસામાં પાણી અર્પણ કરીને પતિ પરત આવતાં સગીર વયની પત્ની સાથે ભૂવાએ દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળ્યું હતું. જેના પગલે માલપુર પોલીસ મથકમાં ભૂવા સામે બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો.
જે અંગેનો કેસ મોડાસાની સ્પે.પોક્સો કોર્ટમાં ચાલી જતાં તમામ પુરાવા અને સરકારી વકીલ ડી.એસ.પટેલની દલિલોને ધ્યાનમાં લઈ જજ એ.કે.રાવ એ દુષ્કર્મ આચરનાર કાન્તિ અરજણભાઈ ભરવાડને ૧૦ વર્ષની કેદની સજા ફટકારી હતી.