માલવણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ૧૯૨ જેટલી સગર્ભા મહિલાઓને જંતુનાશક દવા યુક્ત મચ્છરદાનીનું ઘરે ઘરે જઈ વિતરણ કરાયું

લુણાવાડા, કોરોનાવાયરસની વૈશ્વિક મહામારી વચ્ચે પણ આરોગ્ય તંત્ર દ્વારા આગામી ચોમાસાની ઋતુમાં થતા મેલેરિયા, ડેન્ગ્યુ તેમજ ચિકનગુનિયા જેવા વાહક જન્ય રોગો સામે રક્ષણાત્મક આરોગ્યલક્ષી પગલાં લઈ તેને લગતી કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે.
જિલ્લા કલેકટર શ્રી આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેહા કુમારીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડા એસ.બી.શાહ ની નિગરાની તળે કડાણા તાલુકાના માલવણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડો. નીલય કસ્બાતી અને તેમની આરોગ્ય ટીમ દ્વારા તેમના તાબાના ૮ આરોગ્ય સબસેન્ટર માં ૨૪ જેટલા ગામોમાં મેલેરિયા, ડેન્ગ્યુ તેમજ ચિકનગુનિયા જેવા વાહક જન્ય રોગો સામે સગર્ભા મહિલાઓને સુરક્ષિત રાખી શકાય
તે માટે આરોગ્ય ટીમ દ્વારા તાબાના ગામોમાં ઘરે ઘરે જઈ ૧૯૨ જેટલી સગર્ભા મહિલાઓને જંતુનાશક દવા યુક્ત મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવ્યું છે. આ મચ્છર દાનીની જાળી માં કેમિકલ હોય છે જે મચ્છરોને આવતા રોકે છે જેથી સગર્ભા મહિલાઓને મેલેરિયા, ડેન્ગ્યુ તેમજ ચિકનગુનિયા જેવા રોગોથી રક્ષણ મળી શકે છે.
આમ કોરોનાના કપરા કાળમાં પણ આરોગ્ય તંત્ર સગર્ભા મહિલાઓ માટે વિશેષ કાળજી લઇ તેમની તંદુરસ્તી જળવાઇ રહે અને તે નિરોગી રહે તે માટે ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યું છે.