Western Times News

Gujarati News

માલવણ હાઇવે પરથી વિદેશી દારૂ સાથે એક આરોપી ઝબ્બે

સુરેન્દ્રનગર:બજાણા પીએસઆઇ સહિતનાં પોલીસ સ્ટાફે અગાઉથી મળેલી બાતમીનાં આધારે માલવણ હાઇવે ચોકડી પાસેથી નીકળેલા રાજસ્થાન પાર્સિંગનાં ટ્રેલરનો ફિલ્મી ઢબે પીછો કરી ચાલકને ઝબ્બે કર્યો હતો. બજાણા પોલીસે આ દરોડામાં વિદેશી દારૂની ૧૦૦૬ બોટલો, મોબાઇલ અને ટ્રેલર સાથે ૨૦,૮૮,૩૧૦ નાં મુદ્દામાલ સાથે એક આરોપીને ઝબ્બે કરી આ કેસનાં મુળ સુધી પહોંચવાનાં ચક્રો ગતિમાન કર્યા છે.

રાજસ્થાનથી ઝાલાવાડ પથંકમાં દારૂ ઘૂસાડવાનાં પ્રયાસનો બજાણા પોલીસે પર્દાફાશ કર્યો છે. અમદાવાદ-ધ્રાંગધ્રા હાઇવે પર માલવણ ચોકડી પાસેથી રાજસ્થાન પાર્સિગનું ટ્રેલરનીકળતા તેને આંતરતા ચાલક પુર ઝડપે ટ્રેલર હંકારવા લાગ્યો હતો, ત્યારબાદ બજાણા પોલીસે આ ટ્રેલરનો ફિલ્મી ઢબે પીછો કરી તેને આંતરી લીધો હતો.

બજાણા પોલીસે રાજસ્થાન પાર્સિંગનાં ટ્રેલરની સઘન તલાશી લેતા ટ્રેલરમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલો નંગ- ૧૦૦૬, કિંમત રૂ. ૮૫,૫૧૦, વીવો કંપનીનો મોબાઇલ કિંમત રૂ.૩,૦૦૦ અને ટ્રેલર કિંમત રૂ.૨૦ લાખ મળી કુલ રૂ.૨૦,૮૮,૩૧૦ નાં મુદ્દામાલ સાથે રાજસ્થાન ઉદેપુરનાં ફતેહનગરનાં હાફીજ મોહમ્મદ અબ્દુલ કાદીર મુસલમાન (ઉંમર વર્ષ-૩૫)ની અટકાયત કરી ફરીયાદી બજાણા પોલીસનાં સુરેશભાઇ સામંતભાઇ મુંધવાની ફરીયાદનાં આધારે દારૂ અંગેનો ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. બજાણા પોલીસનાં આ દરોડામાં પીએસઆઇ વી.એન.જાડેજા, ભરતદાન, રાજેશભાઇ મીઠાપરા સહિતનો બજાણા પોલિસ સ્ટાફ સાથે હાજર હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.