માલિકે ભાડૂઆતના અંગત પળના વિડીયો વાયરલ કરવા ધમકી આપી
વડોદરા, દુકાનના ભાડાની ઊઘરાણીમાં દુકાન માલિકે મોટો કાંડ કરી નાખ્યો હતો. ઊઘરાણી માટે દુકાન માલિકે ભાડૂઆતના મોબાઈલ ફોન, લેપટોપ અને ચેકબૂક લઈ લીધા હતા. બીજી તરફ, મોબાઈલમાં ભાડૂઆતના પત્ની સાથેના અંગત પળના વિડીયો હતા.દુકાનના માલિકે ભાડૂઆતના અંગત પળના વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી.
બાદમાં દુકાન માલિક, તેમની પુત્રી અને એક સંસ્થાના સંચાલકે ભેગા મળીને કાવતરૂ રચીને ભાડૂઆત પાસેથી પાંચ લાખ પડાવી લીધા હતા. એટલું જ નહીં વધુ ૧૫ લાખની ઊઘરાણી કરી ભાડૂઆતને ટોર્ચર કરવામાં આવતો હતો. આખરે કંટાળીને ભાડૂઆતે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ, માંજલુપર વિસ્તારમાં રહેતા અને જમીન લે-વેચનો વ્યવસાય કરતા વેપારીએ સીઆઈડી ક્રાઈમ વડોદરા ઝોનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, વડસર બ્રિજ પાસે આશ્રય ફ્લેટમાં રહેતા રાજુ ઉર્ફે રાજેશ ભાલીયાની દુકાન વર્ષ ૨૦૧૮માં ભાડે લીધી હતી. જે માટે માસિક પાંચ હજાર રુપિયા ભાડુ નક્કી કરવામાં આવ્યું હતું. ભાડૂઆતે ચાર મહિના સુધી ભાડુ નિયમિત રીતે ચૂકવ્યું હતું.
એ પછી કોરોનાકાળમાં ધંધામાં મંદી આવતા માલિકને ભાડુ ચૂકવી શક્યો નહોતો.આ ભાડાની ઊઘરાણી માટે માલિક રાજેશ ઓફિસે આવ્યો હતો અને ભાડાની પઠાણી ઊઘરાણી કરી હતી. બાદમાં રાજેશ ભાડૂઆતની ચેકબૂક, લેપટોપ અને મોબાઈલ ફોન લઈને જતો રહ્યો હતો. રાજેશે કહ્યું હતું કે, ભાડુ આપી જજે અને ચીજવસ્તુઓ લઈ જજે.
થોડા દિવસ પછી રાજેશે ભાડૂઆતને કહ્યું હતું કે, તે જે મોબાઈલ ફોન લઈ ગયો છે તેમાં તેના અને તેની પત્નીની અંગત પળના વિડીયો છે. આ વિડીયો વાયરલ થશે તો તમે ક્યાંયના નહીં રહો.જાે આવું ન થવા દેવું હોય તમારે ૨૦ લાખ રુપિયા આપવા પડશે.
એ પછી ભાડૂઆતે પોતાના મોટા ભાઈ પાસેથી પાંચ લાખ રુપિયા લઈને ઓક્ટોબર-૨૦૧૯માં રાજેશને આપ્યા હતા. સાથે જ એક સંસ્થા દ્વારા મળેલા ચેકનું પેમેન્ટ રોકાવી દીધુ હતુ. તેમ છતા દુકાન માલિક દ્વારા ઊઘરાણીથી કંટાળીને ભાડૂઆતે પોલીસનો સહારો લીધો હતો. જે બાદ પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી છે.SS1KP