માલિક વિરૂદ્ધ મહિલા કર્મીએ ફરીયાદ નોંધાવી
(પ્રતિનિધિ)અમદાવાદ, શહેરનાં પાલડી વિસ્તારમાં આવેલી એસપીઆરએટી સંસ્થાના માલિક વિરૂદ્ધ મહિલા કર્મચારીએ સેક્સ્યુઅલ માંગણીઓ કરવાની તથા તેમને તાબે ન થતાં પરેશાન કરવાના આક્ષેપ કરતી ફરીયાદ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાતા ચકચાર મચી છે.
આ ઘટનાની વિગત એવી છે કે, ગાંધીનગર ખાતે રહેતી ૩૩ વર્ષીય પારૂલ (કાલ્પનિક નામ) હાલમાં પીએચડીનો અભ્યાસ કરે છે. પારુલે ગયા વર્ષના ઓક્ટોબર માસમાં એસપીઆરએટી સંસ્થામાં ફિલ્ડ તથા સોશીયલ વર્ક ઓફીસર તરીકે નોકરી મેળવી હતી. અને સંસ્થાના નિયમાનુસાર ૪૮ હજાર રૂપિયા ન ભરી શકતાં તેનાં ઓરીજીનલ દસ્તાવેજાે લીધા હતા. દરમિયાન સંસ્થાના માલિક હસન જાેહરે (રાજનગર કોમ્પ્લેક્ષ, દિવાન બલ્લુભાઈ શાળાની નજીક, પાલડી) પારૂલને એચઆરનું વધારાનું કામ સોંપ્યું હતું અને થોડા દિવસ વધારાનું કામ કરવા જણાવ્યું હતું.
જાેકે તે બાબતે ઈન્કાર કરતાં પારુલને હસન સાથે અવારનવાર બોલાચાલી થતી હતી. ઉપરાંત પારુલ તેની ઓફીસમાં જાય ત્યારે હસન તેની સાથે અશોભનીય વાતો કરતો ઉપરાંત બાથમાં ભરી લેતો હતો. આવી વાતોનો વિરોધ કરતાં હસન તેને કામકાજ બાબતે પરેશાન કરતો હોવાનો તેણે આક્ષેપ કર્યાે હતો. જેનાથી કંટાળી પારુલે સંસ્થામાંથી નોકરી છોડી પોતાના દસ્તાવેજાે પરત માંગ્યા છતાં તે આપ્યા નહતા. જેથી પારુલ છેવટે પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં પોલીસે તેનાં આક્ષેપોને ધ્યાનમાં લઇ તપાસ હાથ ધરી છે.