માલ્યા પાસેથી ૧૧,૦૦૦ કરોડની વસૂલાત હજુ બાકી
નવી દિલ્હી, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનાં વડપણ હેઠળનાં બેન્ક કોન્સોર્ટિઅમ દ્વારા સુપ્રીમ કોર્ટને માહિતી આપવામાં આવી છે કે ભાગેડુ ડિફોલ્ટર વિજય માલ્યા પાસેથી ૩૬૦૦ કરોડની વસૂલાત થઇ ચૂકી છે પરંતુ હજુ તેની પાસેથી ૧૧,૦૦૦ કરોડ લેવાના બાકી નીકળે છે.
સુપ્રીમ કોર્ટે માલ્યાની યુનાઇટેડ બેવરિઝ હોલ્ડિંગ્ઝ લિમિટેડ દ્વારા કરાયેલી કર્ણાટક હાઇકોર્ટના ચુકાદાને પડકારતી એક અરજી ફગાવી દીધી હતી. કર્ણાટક હાઇકોર્ટે કિંગફિશર એરલાઇન્સ લિમિટેડનાં બાકી નાણાંની વસૂલાત માટે યુનાઇટેડ બ્રુઅરીઝને સમેટવાના આદેશને બહાલી આપી હતી. તેની સામે યુનાઇટેડ બેવરિઝે સુપ્રીમમાં અરજી કરી હતી.
બેન્કો વતી એડવોકેટ મુકુલ રોહતગીએ રજૂઆત કરી હતી કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કંપનીની સંપત્તિને ટાંચમાં લેવી જોઇએ નહીં કારણ કે આ સંપત્તિ પર બેન્કોનો બોજો છે અને તેથી બેન્કોને તેના પર પહેલો અધિકાર બને છે. કર્ણાટક હાઇકોર્ટે ફેબ્રુઆરી ૨૦૧૮માં આપેલા એક ચુકાદા અનુસાર યુબીએચએલએ તેના લેણદારોને સાત હજાર કરોડ આપવાના બાકી નીકળે છે.SSS