માવઠાના સંકટથી ગુજરાતના ખેડૂતોમાં ચિંતા વધી ગઈ

૮થી ૧૦ જાન્યુઆરી વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદ વરસી શકે છે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસમાં દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં કડકડતી ઠંડી પડવાની સંભાવના
અમદાવાદ, કડકડતી ઠંડી વચ્ચે રાજ્યમાં ફરી માવઠાનું સંકટ ઘેરાયુ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આઠથી ૧૦ જાન્યુઆરી વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર, ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં માવઠું પડી શકે છે. બે દિવસ તાપમાનમાં ખાસ ફેરફારની શક્યતા નહીંવત છે.
રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા હતા. હવામાન વિભાગે ૮ થી ૧૦ જાન્યુઆરી કમોસમી વરસાદ પડવાની આગાહી કરી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ૩ દિવસ તો વાતાવરણ સૂકું રહેશે પરંતુ ભેજનું પ્રમાણ વધતા ૮ થી ૧૦ જાન્યુઆરી સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસશે.
હવામાન વિભાગના મતે આગામી ૨ દિવસ તો તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય પરંતુ બે દિવસ બાદ ૨ થી ૩ ડિગ્રી તાપમાન વધશે અને ઠંડીથી આંશિક રાહત મળશે. વરસાદની આગાહીને પગલે માર્કેટ યાર્ડોને ફરી એકવાર સતર્ક કરાયા હતા. બનાસકાંઠા ડિઝાસ્ટર વિભાગે ખેતીવાડી તેમજ બાગાયત વિભાગને પત્ર લખ્યો હતો જેમાં માર્કેટ યાર્ડોને ખુલ્લામાં પડેલા અનાજને સુરક્ષિત સ્થળો પર ખસેડવા સૂચના અપાઈ છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસમાં દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં કડકડતી ઠંડી પડવાની સંભાવના છે. હરિયાણા, ચંડિગઢ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં ૪ થી ૫ જાન્યુઆરી સુધી હાડ થીજવતી ઠંડી પડી શકે છે. આ પછી અહીં ધીમે ધીમે ઠંડીમાં ઘટાડો થવાની સંભાવના છે. IMD અનુસાર, ૫ અને ૬ જાન્યુઆરીએ પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં અલગ-અલગ જગ્યાએ કોલ્ડવેવની શક્યતા છે.
તમિલનાડુમાં ૪ થી ૮ જાન્યુઆરી દરમિયાન ભારે વરસાદ થઈ શકે છે. કેરળમાં ૪ થી ૬ જાન્યુઆરી દરમિયાન અને કર્ણાટકમાં ૪ થી ૫ જાન્યુઆરી દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક ભાગોમાં આગામી ત્રણ દિવસ સુધી ગાઢ ધુમ્મસની સંભાવના છે. હિમાચલ પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના વિવિધ ભાગોમાં ૫ થી ૭ જાન્યુઆરી સુધી ગાઢ ધુમ્મસ રહેશે.ss1