માસ્કનો જથ્થો ન મળતાં શાહપુરનાં વેપારીનાં વૃદ્ધ પિતાનું અપહરણ
અમદાવાદ: કોરોનાની મહામારી આવ્યા બાદ માસ્ક અને સેનેટાઈઝરનો ધંધો કરવા ઈચ્છતાં વેપારીઓ સાથે ઠગાઈ થઈ હોવાની કેટલીક ઘટનાઓ સામે આવી છે. આ પરિસ્થિતિમાં શાહપુર વિસ્તારનાં એક વેપારીએ વચ્ચે રહીને માસ્કનું વેપાર કરાવવાનું ભારે પડ્યું છે. વૃષ્પ વેપારીએ પોરબંદરના વ્યક્તિ પાસેથી આશરે નવ લાખનાં માસ્ક કમિશન પેટે અન્ય વેપારીઓને અપાવ્યા હતા. જા કે માસ્કની ડિલીવરી નહીં મળતાં ત્રણેય વેપારીઓએ વૃદ્ધનું અપહરણ કરી ગોંધી રાખી ગાળો બોલી હતી અને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે રાજેન્દ્ર કુમાર જેસારામ પ્રજાપતિ (૨૫) રાયપુર બીગ બજાર પાસે સીટી સેન્ટર-૨માં રહે છે અને ત્યાં જ નોકરી કરે છે. માર્ચ મહિનામાં તેમનાં મિત્ર હિતેશભાઈ માળી (રહે.મંડાર, રાજસ્થાન)નો ફોન આવ્યો હતો.
જેમણે પોતે હાલમાં કોરોના વાયરસની બિમારી ચાલતી હોઈ માસ્કનો વેપાર કરવો છે. જેથી કોઈ ઓળખાણ હોય તો માસ્ક અપાવ, તારું કમિશન મળી જશે. તેવી વાત કરી હતી. જેનાં પગલે રાજેન્દ્રકુમારે ઓનલાઈન સર્ચ કરતાં પોરબંદરનાં રહેવાસી મહેશભાઈ તથા વિપુલભાઈ સાથે સંપર્ક થયો હતો. બાદમાં તેમની વચ્ચે માસ્ક ખરીદવાની ડીલ થતાં
હિતેશભાઈએ મહેશભાઈને બે લાક નંગ માસ્ક ખરીદવાનો ઓર્ડર આપ્યો હતો. જે ૮,૭૫,૦૦૦ ચેક દ્વારા ચુકવી આપ્યા હતા. જા કે ત્યારબાદ તુરંત જ સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર થતાં માસ્કનો જથ્થો મળ્યો નહતો. જેનાં કારણે હિતેશ અવારનવાર રાજેન્દ્રકુમારને ફોન કરીને માસ્કની ડિલીવરી અંગે પૂછપરછ કરતો હતો. બાદમાં હિતેશે તેમની પાસેથી લખાણ પણ લીધું હતું.
દરમિયાન ગઈકાલે બપોરે સાડા બાર વાગ્યે રાજેન્દ્રભાઈ દુકાને નોકરી પર હતા. ત્યારે તેમનાં પિતાનાં મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો અને અજાણ્યા ઈસમે ‘હું રબારી બોલું છું તારા પિતા અમારા કબજામાં છે. હિતેશનાં રૂપિયા લઈ જશોદારનગર આવી જા અને પિતાજીને લઈ જા’ તેમ કહેતાં રાજેન્દ્રભાઈ તુરંત શાહપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
જ્યાં પોલીસે તેમને સાથે રાખી જશોદાનગરમાં તપાસ ચલાવી હતી. પરંતુ પિતા જેસારામ મળ્યા ન હતા. દરમિયાન જેસારામ શાહપુર પોલીસ સ્ટેશને પહોંચ્યાની જાણ થઈ હતી. જેથી પૂછપરછ કરવામાં આવતાં જેસારામે જણાવ્યું હતું કે બપોરે પોતે નોકરીનાં સ્થળે ફરસાણની દુકાને હાજર હતા ત્યારે હિતેશ, પ્રભાત રબારી તથા રાણા રબારી ત્યાં આવ્યા હતાં. અને રાજેન્દ્રભાઈ અંગે પૂછપરછ કરીને તેણે ૮,૭૫,૦૦૦ની ચીટીંગ કરી હોવાનું જણાવ્યું હતું.
બાદમાં જબરદસ્તી તેમને ગાડીમાં બેસાડીને પ્રથમ જશોદાનગરમાં એક ઓફીસે લઈ ગયા હતા. જ્યાં તેમનો મોબાઈલ છીનવીને પ્રભાતે રાજેન્દ્રભાઈને ફોન કર્યાે હતો. ઊપરાંત જેસારામને ગાળો બોલી ડરાવી ધમકાવીને ફરી કારમાં બેસાડી ચાંદખેડા ખાતે ઊતારી દીધા હતા. અને પોલીસને જાણ કરી તો તને અને તારા દિકરાને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી જતાં રહ્યા હતાં. આ ઘટના અંગે શાહપુર પોલીસે ત્રણેય વિરુદ્ધ અપહરણ અને ધમકીનાં ગુના નોંધીને ત્રણેયને ઝડપી લેવા તજવીજ કરી છે.