માસ્કનો દંડ ભરવા કહેતા પોલીસકર્મી સાથે ઝપાઝપી કરી શર્ટ ફાડી નાખ્યો
અમદાવાદ, કરફ્યુ અને કોરોના ગાઇડ લાઇનનો અમલ કરાવતી પોલીસ સાથે ઘર્ષણના અનેક બનાવ સામે આવ્યા છે. રાત્રિ કરફ્યુ દરમિયાન બિનજરૂરી બહાર નીકળતા તેમજ માસ્ક પહેર્યા વગર ફરતા લોકોને રોકી કાર્યવાહી કરાતાની સાથે જ અનેક લોકો પોલીસ સાથે બિનજરૂરી ઘર્ષણમાં ઊતરી પડે છે.
શહેરના શાહપુર વિસ્તારના પોઇન્ટ પર હાજર પોલીસ જવાનોને મનફાવે તેમ ગાળો બોલી ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવક વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. શાહપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગઇકાલે બહાઇ સેન્ટર ચાર રસ્તા પાસે ફરજ પર હાજર હતો તે દરમિયાન એક શખ્સ એક્ટિવા લઇ આવ્યો હતો.
પોલીસે તેને રોકી માસ્કનો દંડ ભરવા માટે કહેતા તે ઉશ્કેરાઇ ગયો હતો અને જાેરજાેરથી વધુ ગાળો બોલવા લાગ્યો હતો અને પોલીસને કહ્યું હતું કે હુ તમને કોર્ટમાં લઇ જઇશ, તમે મને મેનો કેમ આપ્યો ? યુવકે આમ કહી ઝપાઝપી કરી પોલીસ કર્મચારીના શર્ટનું બટન તોડી શર્ટ ફાડી નાખ્યો હતો.
જાેકે પોલીસે તેને પકડવાનો પર્યત્ન કરતાં તેણે ઝપાઝપી કરી હતી અને પોલીસ કર્મચારીને ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે બળપ્રયોગ કરી યુવકને ઝડપી લઇ પૂછપરછ કરતાં યુવકે ત દાણીલીમડા વિસ્તારમાં રહેતો હોવાનું કહ્યું હતું. ત્યારબાદ તેણે નામ અમન મુસાણી હોવાનું જણાવ્યું હતું.
જાેકે પોલીસ તેની સામે કાર્યવાહી કરવા તેને ગાડીમાં બેસાડી પોલીસ સ્ટેશનમાં લઇ ગઇ હતી. આ સમયે યુવકે પોલીસ કર્મચારીઓને ધમકી આપી હતી કે હું જેલમાં જઇશ, પરંતુ તમને જીવવા નહીં દઉં, હાલ પોલીસે આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.