માસ્કમાં સંતાળીને લવાતું લાખોનું સોનું એરપોર્ટથી જપ્ત
ચેન્નઈ, તસ્કરો સોનાની દાણચોરી કરવા માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. આંતરરાષ્ટ્રીય હવાઇમથકો પર ઘણા તસ્કરો સોનું છુપાવવાની વિચિત્ર રીતમાં પકડાઈ જાય છે. હવે તમિળનાડુના ચેન્નાઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર આવો જ એક મુસાફર પકડાયો છે. તેણે ફેસ માસ્કની વચ્ચે સોનું છુપાવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે એક મુસાફર દુબઈથી અમીરાતની ફ્લાઇટમાં (એકે ૫૪૪) ચેન્નઇ આવ્યો હતો. તેની પાસેથી ૧૧૪ ગ્રામ સોનું મળી આવ્યું છે. આ ઉપરાંત તેની પાસેથી એક સોનાની ચેન મળી છે. જે ૫૦ ગ્રામની છે. આ બધું તેણે ચહેરાના માસ્કની અંદર સંતાડ્યું હતું. આ સિવાય અન્ય મુસાફરો પાસેથી પણ સોનું મળી આવ્યું છે.
પૂછપરછ દરમ્યાન ત્રણ મુસાફરો પાસેથી ચહેરાના માસ્કના ૧૬ બંડલો કબજે કરાયા હતા. તેમણે આ માસ્કની અંદર સોનાના પડની પેસ્ટ મૂકીને સીલાઈ મારી હતી. ચારે મુસાફરો પાસેથી ૧.૮૪ કિલો સોનું મળી આવ્યું હતું. આ સોનાની કિંમત ૯૭.૮૨ લાખ હોવાનું જણાવાયું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સાત મુસાફરો અગાઉ દુબઇથી આવ્યા હતા. તેમણે પ્લાસ્ટિકના પાઉચને જીન્સમાં સીવેલા હતા જેની અંદર સોનું સંતાડવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે બે દિવસમાં જ ૧૧ લોકોએ ફેસ માસ્ક અને પેન્ટના ખિસ્સામાં સંતાડીને સોનું લાવતા ઝડપાઈ ગયા છે. કુલ ૩.૫ કિલો સોનું પ્રાપ્ત થયું છે, જેની કિંમત ૧.૮૫ કરોડ રૂપિયા છે. સોનાની દાણચોરીના આરોપમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.SSS