માસ્ક ના પહેરવા બદલ ૨૦ લાખ રૂપિયા દંડ ચૂકવ્યો
અમદાવાદ: ગુજરાતમાં દિવાળી પછી કોરોના વાયરસની બીજી લહેરના કારણે કેસમાં ઉછાળો નોંધાયો છે. કોરોના વાયરસને અટકાવવા માટે નાગરિકો દ્વારા બેદરકારી દાખવવામાં આવી રહી છે ત્યારે તેમને કાબૂમાં લાવવા માટે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા કડક પગલા ભરાઈ રહ્યા છે. આવામાં ૧૫ નવેમ્બરથી ૨૨ નવેમ્બર દરમિયાન ગુજરાતીઓએ ૩.૯ કરોડ રુપિયાનો દંડ માસ્ક ના પહેરવા બદલ ચુકવ્યો છે.
૩૩ જિલ્લામાં કુલ ૩૯,૦૦૦ લોકોને ૧૦૦૦ રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. રાજકોટમાં ૭,૦૦૦ જેટલા લોકોને જાહેરમાં માસ્ક ના પહેરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. શહેરી પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા દિવાળીના તહેવારો પછી માસ્ક વગર ફરતા લોકોને સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન દંડ ફટકારવામાં આવ્યો હતો. આ તરફ સુરતમાં માસ્ક વગર ફરતા ૨,૫૭૩ લોકોને ૨૫ લાખથી વધુ રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. વડોદરામાં ૨,૩૪૧ લોકોને ૨૩ લાખથી વધુનો દંડ થયો છે.
અમદાવાદની વાત કરીએ તો અહીં રાજ્યમાં સૌથી ખરાબ રીતે કોરોના ફરી એકવાર વકર્યો છે, અહીં ૨,૦૮૯ લોકોને જાહેરમાં માસ્ક ના પહેરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. ડીજીપી આશિષ ભાટિયાએ જણાવ્યું કે, ગુજરાતના ચાર મોટા શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે, આ સાથે માસ્ક લોકો ફરજિયાત પહેરે તે બાબતનું ધ્યાન રાખવામાં આવશે. પોલીસને એ પણ સૂચના આપવામાં આવી છે કે નાકથી માસ્ક નીચે ઉતરી ગયું હોય, ગળા પર હોય કે મોઢું દેખાતું હોય તેવી સ્થિતિમાં વ્યક્તિ સામે પગલા ભરવામાં આવે.
ભાટિયાએ જણાવ્યું કે, લોકોએ સમજવું જોઈએ કે માસ્ક પહેરવાથી અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવાથી જ કોરોના વાયરસને હરાવી શકાય છે. ઘણાં પોઈન્ટ પર માસ્ક વગર ફરતા લોકોને પકડીને કાર્યવાહી કરવામાં આવે છે. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ જણાવે છે કે મોટા પ્રમાણમાં માસ્ક ના પહેરવાની ફરિયાદો નોંધાઈ રહી છે તે જોતા એ સ્પષ્ટ થાય છે કે પોલીસ પોતાની કામગીરી ઘણી સારી રીતે કરી રહી છે. અગ્રવાલ જણાવે છે કે પાનના ગલ્લા, ચાની કિટલીઓ અને નાસ્તાની દુકાનો પાસે ખાસ નજર રાખવામાં આવે છે કારણ કે અહીં સૌથી વધુ માસ્ક ના પહેરવાની ઘટના બનતી હોય છે.