Western Times News

Gujarati News

માસ્ક ન પહેરવા બદલ પોલીસે રોક્યો તો યુવકે ઝેર પીવાની ધમકી આપી

Files Photo

અમદાવાદ: દુનિયાભરમાં કોરોના વાયરસના એક કરોડથી વધુ કેસ નોંધાઈ ચૂક્યાં છે. કોરોનાને અટકાવવા માટે જાહેરમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કનો ઉપયોગ ફરજિયાત બનાવ્યો છે. છતાંય લોકો હજુ સુધી સમજતા જ નથી. જેથી પોલીસ દ્વારા માસ્ક વગરના લોકો પાસેથી દંડ વસૂલવાનું શરૂ કર્યું છે. ત્યારે સરખેજમાં બાઈક સવારે માસ્ક પહેરેલું ન હોવાથી તેને ઉભો રાખીને પોલીસે પૂછપરછ કરી હતી. જાકે, બાઈક સવારે કહ્યું હતું કે, મારું મોઢું છે મારે માસ્ક પહેરવું હોય તો જ પહેરું, એમાં તમારે શું ? એટલું જ નહીં, પોલીસે મેમો ફાડવાનું કહેતા પોલીસે ઝેર પીવાની ધમકી આપી હતી. આ મામલે સરખેજ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે ફરિયાદ નોંધાવી હતી.

સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ બળદેવસિંહ કરશનભાઈએ ફરિયાદ નોંધાવી છે કે, મકરબા પોલીસ ચોકીની સામે સરખેડ પોલીસની ટીમ ફરજ બજાવી રહી હતી. ત્યારે બપોરના સમયે એક બાઈકસવાર સરખેજ ઢાળ બાજુથી આવ્યો હતો, બાઈકસવારે માસ્ક પહેરેલું ન હોવાથી તેનો ઊભો રાખીને પૂછપરછ કરી હતી.

ત્યારે બાઈકસવારે સામે દલીલ કરી હતી કે, મારે માસ્ક પહેરવું હોય જ પહેરું, એમા તમારે શું ? ત્યારે પોલીસકર્મીએ જણાવ્યું હતું કે, માસ્ક પહેરવું જરૂરી છે. તેમ કહીને મેમો બનાવવા માટે જણાવાયું હતું. જેથી બાઈકસવારે ધમકી આપી હતી કે, મારા સગા ક્રાઈમ બ્રાન્ચમાં છે. તમે મારો મેમો બતાવો, હું ઝેરી દવા પીને તમને બધાને ફીટ કરાવતો જઈશ.

પોલીસને ધમકી આપ્યા બાદ બાઈક સવાર ઘર્ષણ કરવા લાગ્યો હતો. ત્યારબાદ ગાળાગાળી કરવા લાગેલા બાઈકરને આખરે મકરબા પોલીસ ચોકીમાં લવાયો હતો. અમદાવાદ શહેર પોલીસ માસ્ક ન પહેરતા અને જાહેરમાં થૂંકતા લોકો સામે કાર્યવાહી શરૂ કરી છે. ૨૪ કલાકમાં પોલીસે માસ્ક ન પહેરનારા ૨૧૧૯ લોકોને દંડ ફટકાર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.