માસ્ક પહેરવું પડશેઃ અમેરિકી એક્સપર્ટ, બ્રિટનમાં વેક્સિનેશન ઝડપી બનાવાશે

વોશિંગ્ટન, દુનિયામાં કોરોના દર્દીઓનો આંકડો ૧૧.૧૯ કરોડથી વધુ થઇ ગયો છે. ૮.૭૨ કરોડથી વધુ લોકો રિકવર થઇ ચુક્યા છે. ૨૪.૭૭ લાખથી વધુ લોકો જીવ ગુમાવી ચુક્યા છે. રાષ્ટ્રપતિ જાે બિડેનની કોરોના ટાસ્ક ફોર્સના મુખ્ય સભ્ય અને સંક્રામક બીમારીઓના મોટા નિષ્ણાત ડોક્ટર એન્થની ફૌસીએ દેશવાસીઓને સતર્ક રહેવા જણાવ્યુ છે.
એક પ્રોગ્રામ દરમિયાન ફૌસીએ કહ્યું કે દુનિયામાં થયેલા કુલ મૃત્યુમાંથી અડધા અમારા દેશમાં થયા છે. આ ઐતિહાસિક નિષ્ફળતા છે અમે તેને ક્યારેય યાદ કરવા ઇચ્છતા નથી. ફૌસીએ જણાવ્યુ કે હજુ પણ સમય છે કે આપણે સતર્કતાથી કામ કરીએ. મારું માનવું છે કે અમેરિકનોએ આવતા વર્ષે માસ્ક પહેરવું જરૂરી હશે.
વેક્સિનેશન ખૂબ ઝડપથી ચાલી રહ્યુ છે, પરંતુ સતર્કતા રાખ્યા વગર અમે સફળતા નહીં મેળવી શકીએ. અમેરિકામાં મૃત્યુ પામનારનો આંકડો પાંચ લાખને પાર થઇ ચૂક્યો છે. ફૌસીએ જણાવ્યું કે હવે પરિસ્થિતિ એ વાત પર નિર્ભર કરે છે કે વાઇરસ કેટલા અને કેવા વેરિઅન્ટ સામે લાવે છે. આ ઉરાંત એ પણ જાેવું પડશે કે આ વેરિઅન્ટ કેટલો ખતરનાક છે. માસ્ક એકમાત્ર એવી વસ્તુ છે જેના યોગ્ય ઉપયોગથી જ આપણે ભવિષ્યના ખતરાને ટાળી શકીએ છીએ.
બ્રિટિશ સરકારે એક નવો પ્લાન તૈયાર કર્યો છે. તેમાં કહેવાયું છે કે દેશમાં વેક્સિનેશન માટે નવી રણનીતી બનાવાઇ છે અને હવે તે રણનીતિ પ્રમાણે જ વેક્સિનેશન થશે. સરકારે નક્કી કર્યું છે કે જુલાઇના અંત સુધી તમામ વયસ્કોને વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવાશે. આ પહેલા તે લક્ષ્ય ઓગસ્ટ અને સપ્ટેમ્બર માટે નક્કી કરાયું હતું.