Western Times News

Gujarati News

માસ્ક વગર ફરતા શખ્સે પોલીસ સ્ટેશનમાં જ અધિકારીને ધમકી આપી

અમદાવાદ, દેશભરમાં ફેલાયેલા કોરોના વાયરસના પગલે લોકડાઉન બાદ અનલોકમાં રાજય સરકારોએ મહત્વપૂર્ણ છુટછાટો આપતા જનજીવન પુનઃ ધબકતુ થયું છે અને લોકો ઘરની બહાર નીકળવા લાગ્યા છે જેના પરિણામે કોરોના વધુ પ્રસરે તેવી દહેશત સેવાઈ રહી છે કેન્દ્ર સરકારે કોરોના વાયરસ સામે સોશિયલ ડીસ્ટન્સ, માસ્ક પહેરવું ફરજીયાત કર્યુ છે અને આ માટે દંડનાત્મક જાેગવાઈ પણ કરવામાં આવી છે.

આ નિયમોનું પાલન કરાવવા માટે સ્થાનિક પ્રશાસન તંત્રોને આદેશ આપવામાં આવતા અમદાવાદ શહેરમાં અમદાવાદ મ્યુનિ. કોર્પો. તથા પોલીસતંત્ર દ્વારા તેનો કડકાઈથી અમલ શરૂ કરવામાં આવ્યો છે અને માસ્ક વગર ફરતા લોકો સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે આ દરમિયાનમાં ગઈકાલે શહેરના શાહપુર વિસ્તારમાં માસ્ક વગર ફરતા એક શખ્સની અટકાયત કરી પોલીસ સ્ટેશને લઈ જવાતા પોલીસ સ્ટેશનમાં જ આ શખ્સે પોલીસ અધિકારીઓને હત્યાની ધમકી આપતા અધિકારીઓ ચોંકી ઉઠયા છે અને તાત્કાલિક આ શખ્સ વિરૂધ્ધ કડક કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદ શહેરમાં માસ્ક પહેરવાના મુદ્દે પોલીસ સાથે તકરારના બનાવો બનવા લાગ્યા છે.

પોલીસ કંટ્રોલ રૂમના મેસેજ આધારે શાહપુર પોલીસના કર્મીઓ ફોન કરનાર ફરિયાદીને પોલીસ સ્ટેશને લઈને આવ્યા હતા. યુવકની અટકાયત કરવામાં આવતા અન્ય યુવકો પણ સતર્ક બન્યા હતા અને ફરિયાદી સાથે એક યુવક પણ પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો શહેરભરમાં માસ્ક પહેરવાનો કાયદો અમલમાં છે અને તેનો કડકાઈથી અમલ કરવામાં આવી રહયો છે.

કોરોના વોરિયર્સ તરીકે લોકડાઉનમાં ખડેપગે સેવા બજાવનાર પોલીસકર્મીઓ પણ કોરોનાની ઝપેટમાં આવતા પોલીસ સ્ટેશનોમાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે તમામ પોલીસકર્મીઓ માસ્ક સાથે ફરતા જાેવા મળે છે અને પોલીસ સ્ટેશનમાં આવતા સામાન્ય નાગરિકોને પણ માસ્ક પહેરેલા જાેવા મળે છે પરંતુ ગઈકાલે શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદીની સાથે આવેલો યુવક માસ્ક વગર પોલીસ સ્ટેશનમાં પ્રવેશતા પોલીસકર્મીઓ સતર્ક બન્યા હતા અને સૌ પ્રથમ આ યુવકને માસ્ક પહેરવા જણાવ્યું હતું.

જેના પગલે આ યુવકે ઉશ્કેરાટમાં આવી જઈ પોલીસકર્મી સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો જેના પરિણામે વાતાવરણ ઉગ્ર બન્યુ હતું. પોલીસ કર્મીઓએ પ્રારંભમાં ઉશ્કેરાયેલા આ યુવકને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ઉશ્કેરાટમાં આવેલા આ યુવકે પોલીસ સ્ટેશનમાં તમામ કર્મીઓ સાથે ઉંચા અવાજે બોલાચાલી કરતા પોલીસ સ્ટેશનની બહાર પણ લોકો એકત્ર થવા લાગ્યા હતા.

માસ્ક વગર પોલીસ સ્ટેશનમાં પ્રવેશેલા યુવકને માસ્ક પહેરવાનું કહેતા જ મામલો ઉગ્ર બની ગયો હતો પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશન ઓફિસર તરીકે ફરજ બજાવતા દિનેશભાઈએ તેને માસ્ક પહેરવાનું કહ્યું હતું. આથી ઉશ્કેરાયેલા યુવકે ઊંચા અવાજે તમે પબ્લિકના માણસોને ખોટા હેરાન કરો છો તેમ કહેતાં દિનેશભાઈએ તેને શાંતિથી વાત કરવાનું જણાવી તેનું નામ પૂછ્યું હતું.

યુવકે દિનેશભાઈને અપશબ્દો બોલી ધમકી આપતા કહ્યું કે, મારું નામ કૃણાલ દિપક પરમાર છે, હું ઘીકાંટા અડવૈયાના ડેલામાં રહું છું. તું પોલીસ સ્ટેશનની બહાર નીકળ તને જાનથી મારી નાખીશ. આ રીતે ઉદ્ધતાઈભર્યું વર્તન કરનાર કૃણાલ વિરુદ્ધ પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈની ફરિયાદને પગલે શાહપુર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.