માસ્ક વગર ફરતી વ્યકિતઓ પાસેથી રૂા. ૧૧ હજારનો દંડ વસુલ કરાયો
લુણાવાડા: કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાયરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને તેમની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે જિલ્લા કલેકટર શ્રી આર.બી બારડ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા આયુર્વેદિક અધિકારીની રાહબરી હેઠળ આયુષ મંત્રાલયના દિશા નિર્દેશ પ્રમાણે જિલ્લા- તાલુકા અને ગ્રામ્ય સ્તર સુધીના આરોગ્યના કર્મીઓ સતત અવિરતપણે પોતાની ફરજો અદા કરી રહ્યા છે.
આમ છતાં પણ હજુ નાગરિકો તેને ગંભીરતાથી નથી લઇ રહ્યા અને સરકારની ગાઇડલાઇન તેમજ જિલ્લા વહીવટીતંત્ર તરફથી માસ્ક પહેર્યા વગર બહાર ન નીકળવા વારંવાર જણાવવામાં અને સમજાવવામાં આવતું હોવા છતાં પણ હજુ પણ ઘણા નાગરિકો ઘરની બહાર નીકળતા સમયે માસ્ક પહેર્યા વગર ઘરની બહાર નીકળતા હોય છે જેના કારણે તેઓ પોતે પોતાને તો જોખમમાં મૂકે છે પણ સાથે સાથે અન્ય નાગરિકો માટે સંકટ પેદા કરતા હોય છે.
આવા માસ્ક પહેર્યા વગર નીકળતી વ્યકિતઓ ફરીથી માસ્ક પહેર્યા વગર બહાર ન નીકળે અને કોરોના સંક્રમણને નિયંત્રિત કરી શકાય તે હેતુથી તેમજ નાગરિકોમાં ગંભીરતા આવે અને તેઓમાં જાગૃતિ આવે તે માટે લુણાવાડા મામલતદારશ્રી, પોલીસ સબ ઇનસ્પેકટર અને લુણાવાડા નગરપાલિકાએ સંયુકત કાર્યવાહી હાથ ધરીને શહેરમાં માસ્ક વગર ફરતી વ્યકિતઓ પાસેથી દંડાત્મક કાર્યવાહી કરી
રૂા. ૧૧ હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. વહીવટીતંત્રએ આ સંયુકત કાર્યવાહી કરીને અન્ય નાગરિકો માસ્ક પહેર્યા વગર ન નીકળે અને નીકળશે તો દંડાત્મક કાર્યવાહીથી બચી નહીં શકો તેવો સંદેશો પણ પાઠવ્યો હતો.