માહિતી ખાતાની ૩૨ વર્ષની સુદીર્ઘ સેવાઓ બાદ ધીરૂભાઈ કોટવાલ વયનિવૃત્ત
નિવૃત્તિ બાદનું જીવન નિરોગીમય અને પરિવારમાં સુખમય રીતે સમય પસાર કરે તેવી શુભેચ્છા આપતા અધિક માહિતી નિયામક શ્રી અરવિદ પટેલ – માહિતી પરિવાર દ્વારા અપાયું ભાવભર્યું વિદાયમાન
માહિતી ખાતામાં ૩૨ વર્ષની લાંબી સેવાઓ બાદ ગાંધીનગર ખાતેથી નાયબ માહિતી નિયામક શ્રી ધીરૂભાઈ કોટવાલ વયનિવૃત્ત થતાં તેમને માહિતી પરિવાર દ્વારા ભાવભરી વિદાય આપવામાં આવી હતી.
માહિતી પરિવારના મોભી અને માર્ગદર્શક એવા અધિક માહિતી નિયામક શ્રી અરવિંદભાઈ પટેલે વય નિવૃત્ત થતા શ્રી ધીરૂભાઈને શુભેચ્છાઓ આપતા કહ્યુ કે સરકારી સેવામાંથી નિવૃત્ત થવું એક ફરજનો ભાગ છે ત્યારે તેમનું આગળનું જીવન પરિવાર સાથે સુખમય અને નિરોગી નિવડે તેવી શુભેચ્છા આપી હતી. તેમણે કહ્યું કે, ખાતામાં અનુભવી માણસો વયનિવૃત્ત થઈ રહ્યાં છે ત્યારે તેમની સેવાઓની માહિતી પરિવારને ચોક્કસ ખોટ પડશે.
નિવૃત થતા શ્રી ધીરૂભાઈએ પોતાના પ્રતિભાવમાં કહ્યું કે, માહિતી પરિવાર દ્વારા મને મળેલો અપાર પ્રેમ મારા માટે અવિસ્મરણીય રહેશે. ૩૨ વર્ષની સેવાઓમાં તમામ અધિકારી, કર્મચારીઓએ આપેલ સહયોગ-પ્રેમને પરિણામે મને અપ્રતિમ સફળતા મળી છે તે માટે સૌનો આભાર માની તેમના કાર્યકાળ દરમિયાનના અનુભવો તાજા કર્યા હતા.
આ પ્રસંગે સંયુકત માહિતી નિયામક શ્રી જી.એફ.પાંડોર સહિત માહિતી કચેરી ગાંધીનગરના અધિકારી-કર્મચારીઓએ તેમની સાથેના સંસ્મરણો તાજા કરીને શુભેચ્છાઓ પાઠવી હતી.