મા, હું તારું ધ્યાન રાખીશ અભિનેત્રી હિના ખાન
આઘાતમાં સરી પડેલી માતા માટે હિના ખાને લખી ભાવુક કરનારી પોસ્ટ,હું થેરાપિસ્ટ નથી, હું તને વચન આપુ છું
મુંબઈ: હિના ખાનના પિતાનું લગભગ એક મહિના પહેલા કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયુ હતું, પરંતુ તે હજી પણ આઘાતમાં છે. હિના ખાનને વિશ્વાસ નથી થઈ રહ્યો કે તેના હિરો હવે આ દુનિયા છોડીને જતા રહ્યા છે. હિના ખાન થોડા દિવસ પહેલા કામ પર પાછી તો ફરી છે, પરંતુ કામની શરૂઆત કરતી વખતે પણ તેને પિતાની યાદ સતાવી રહી હતી. હવે તે પોતાની સાથે સાથે માતાને પણ માનસિક રીતે મજબૂત કરવામાં લાગેલી છે.
પિતાના મૃત્યુ પછી તૂટી ગયેલી પોતાની માતાને હિના ખાને તેની હિંમત બનવાનું તેમજ આજીવન તેનું ધ્યાન રાખવાનું વચન આપ્યું છે. હિના ખાને માતા સાથેની અમુક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે અને તેની સાથે ભાવુક કરનારી થોડી લાઈન્સ લખી છે. હિના ખાને લખ્યું છે કે, મા, તારી ખુશી જ મારી ઈચ્છા છે, તારી રક્ષા કરવી એ મારો હક છે. હું કોઈ થેરાપિસ્ટ નથી, પરંતુ વચન આપુ છું કે હું તારું ધ્યાન રાખીશ, તારા આંસુ લુછીશ અને તારી વાત સાંભળીશ.
હિના ખાનના પિતાનું ૨૦મી એપ્રિલના રોજ કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયુ હતું. તે સમયે હિના કાશ્મીરમાં એક પ્રોજેક્ટ માટે શૂટિંગ કરી રહી હતી. પિતાના મૃત્યુની ખબર મળતાની સાથે જ તે તરત પાછી ફરી હતી. થોડા દિવસ પહેલા જ હિના ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શેર કરીને તે સ્થળ બતાવ્યુ હતું જ્યાંથી તે દરરોજ પિતા સાથે વાત કરે છે. વીડિયોમાં હિના ખાન તે સ્થળ બતાવી રહી છે જ્યાં તેના પિતાને દફનાવવામાં આવ્યા હતા.