BSFની મોટી કાર્યવાહીઃ મિઝોરમમાં હથિયારો સાથે 3 ઉગ્રવાદી ઝડપાયા
નવી દિલ્હીઃ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ને નોર્થ ઈસ્ટમાં એક મોટી સફળતા હાથ લાગી છે. BSFના જવાનોએ ગુપ્ત સૂચનાના આધારે ગત રાત્રે મિઝોરમમાં ત્રણ ઉગ્રવાસીઓને ઝડપી પાડ્યા છે. આ ઉગ્રવાદીઓ પાસેથી 28 AK-47 રાઇફલો, એક AK-74 રાઇફલ, એક અમેરિકન શૂટિંગ ગન, 28 મેગેઝિન અને લગભગ 7800 કારતૂસ જપ્ત કરી લેવામાં આવ્યા છે. ઉગ્રવાદીઓએ હથિયારોના આ મોટા જથ્થાને એક જીપની સીટની નીચે ગુપ્ત બોક્સમાં છુપાવીને રાખ્યા હતા.
આ નોર્થ ઈસ્ટમાં હાલના વર્ષોમાં પકડવામાં આવેલા હથિયારોની સૌથી મોટી ખેપ છે. BSFના ઇન્ટેલિજન્સ વિભાગના અધિકારીઓને એવી સૂચના મળી હતી કે મ્યાનમારથી હથિયારોનો એક મોટો જથ્થો ભારતમાં આવ્યો છે, જેનો ઉપયોગ મિઝોરમ સહિત નોર્થ ઈસ્ટના વિસ્તારોમાં હિંસક પ્રવૃત્તિઓ માટે થવાનો છે. આ સૂચનાના આધારે BSFએ કાર્યવાહી કરી. ઉગ્રવાદીઓની ઓળખ કરી તેમની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી અને પછી છાપો મારવામાં આવ્યો.