Western Times News

Gujarati News

મિટર મૂકવાથી ગ્રામજનોમાં પાણીના વિવેકપૂર્ણ વપરાશ માટે આવી સ્વયંશિસ્ત

ડભોઇ તાલુકામાં આવેલા ઐતિહાસિક ગામ બાણજમાં જલ જીવન મિશન હેઠળ ગ્રામજનોને હવે ૨૪ કલાક પાણી મળતું થયું છે

પાણીના મિટર મૂકનારું ડભોઇનું બાણેજ વડોદરા જિલ્લાનું પ્રથમ ગામ બન્યું

ડભોઇ,ડભોઇ તાલુકામાં આવેલા ઐતિહાસિક ગામ બાણજમાં જલ જીવન મિશન હેઠળ ગ્રામજનોને હવે ૨૪ કલાક પાણી મળતું થયું છે. ગામમાં પાણીના વપરાશ માટે મિટર મૂકવામાં આવ્યા છે. પાણી બચાવવા માટે ઘરે ઘરે મિટર મૂકવાની વ્યવસ્થામાં બાણજ ગામ વડોદરા જિલ્લામાં પ્રથમ છે. જેના કારણે પાણીની બચત થવાની સાથે ગ્રામજનોમાં પાણીના વિવેકપૂર્ણ વપરાશ કરવાની સ્વયંશિસ્ત પણ આવી છે. ગામના સરપંચ કહે છે, વર્ષ ૨૦૧૭માં ગ્રામ પંચાયતે પાણી વિતરણ વ્યવસ્થાને નવી કરવાનું નક્કી કર્યું. જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ દ્વારા રૂ.૧૧.૨૧ લાખ કિંમતની યોજના મંજુર કરવામાં આવી. જેમાં ૯૦ ટકા રકમ સરકારશ્રી દ્વારા તથા ૧૦ ટકા રકમ ગ્રામજનોએ ઘર ઘરથી ઉઘરાવીને લોકફાળા રૂપે રૂ. ૧.૧૨ લાખની રકમ એકઠી કરી હતી.

આ યોજના અંતર્ગત દરેક ફળિયામાં પુરતુ અને નિયમિત પાણી મળી રહે અને પાણીનું એકસરખુ વિતરણ થાય તે હેતુથી ૬ વાલ્વ સીસ્ટમ નાખવામાં આવી છે. તદઉપરાંત ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા નર્મદા નદી કેનાલથી પાણી મેળવી તેને શુદ્ધિકરણ પ્લાટથી શુદ્ધ કરીને ડભોઇ જુથ પાણી પૂરવઠા યોજના હેઠળ ગામના પાણી સંગ્રહના સમ્પમાં આપવામાં આવ્યુ છે. આ સમ્પથી ગામની ૧૨ મીટર ઉચી ટાંકીમાં ચઢાવીને ઘર ઘર નળ દ્વારા પાણી વિતરણ કરવામાં આવે છે. હવે, ગામમાં આવેલા ૨૨૦ ઘરમાં પાણી વપરાશના મિટર મૂકવામાં આવ્યા છે. તેના કારણે ઘરમાં પાણી કેટલું વપરાય છે, તેનો ખ્યાલ આવી શકે ! પાણીના મિટર મૂકવામાં આવ્યા એ બાદ પરિવર્તન એ આવ્યું કે, ગ્રામજનોમાં પાણીનો ખપ પૂરતો જ ઉપયોગ કરવાની સ્વયંશિસ્ત આવી. પાણીનો બગાડ અટક્યો. હવે તો કોઇ ગ્રામજન બહાર જાય તો પણ પાણીના નળને તાળું મારીને જાય છે. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.