Western Times News

Gujarati News

મિતલ નિપોન સ્ટીલ ઇન્ડીયા ગુજરાતમાં પોતાનો પ્રથમ મોટો પ્રોજેકટ શરૂ કરશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની મૂલાકાત વિશ્વખ્યાત સ્ટીલ ઉત્પાદક કંપની આરસેલર મિતલ નિપોન સ્ટીલ ઇન્ડીયા લી.ના ચેરમેન અને સી.ઇ.ઓ. શ્રી લક્ષ્મી મિતલે ગાંધીનગરમાં લીધી હતી.

શ્રી લક્ષ્મી મતિલની આ કંપની સુરતના હજીરામાં ૪ર હજાર કરોડ રૂપિયાના ખર્ચે એસ્સાર સ્ટીલનો પ્લાન્ટ હસ્તગત કરી પોતાનું ઉત્પાદન શરૂ કરવાની છે. વિશ્વખ્યાત સ્ટીલ ઉત્પાદક.

મુખ્યમંત્રીશ્રી સાથેની મૂલાકાત બેઠકમાં શ્રી લક્ષ્મી મિતલે ગુજરાતમાં ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસની સરળ અને સુવિધાયુકત નીતિઓ તથા ઇન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટથી તેઓ પ્રભાવિત થઇ રાજ્યમાં પ્રથમ આવા મોટા પ્રોજેકટમાં રોકાણ કરી રહ્યા છે તેમ જણાવ્યું હતું.

તેમણે ગુજરાત સરકારનો સહયોગ મળતો રહે તો ભવિષ્યમાં અન્ય મોટા પ્રોજેકટસ પણ ગુજરાતમાં શરૂ કરવા ઉત્સુકતા વ્યકત કરી હતી.  મુખ્યમંત્રીશ્રીએ પણ રાજ્ય સરકાર તરફથી આરસેલર મિતલ નિપોન સ્ટીલ ઇન્ડીયા લી.ને જરૂરી સહકારની ખાતરી આપી હતી.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, સ્ટીલ ઉત્પાદનમાં વિશ્વ સ્તરે અવ્વલ સ્થાન ધરાવતી આ કંપની જાપાનની નિપોન સ્ટીલ સાથે ગુજરાતમાં અદ્યતન ટેકનોલોજીયુકત ઉત્પાદન કરશે.ખાસ કરીને એન્ટી કોલીઝન એટલે કે મોટરકારમાં અકસ્માત સમયે સ્ટીલ-બોડીને થતું નૂકશાન અટકાવી શકાય તેવા સક્ષમ સ્ટીલનું ઉત્પાદન ગુજરાતમાં આ અદ્યતન ટેકનોલોજીયુકત પ્લાન્ટ તેઓ કરવાના છે.

ગુજરાતમાં હજીરા ખાતેનો આ પ્લાન્ટ કાર્યરત થવાથી હાલ વિદેશથી આયાત કરવા પડતા સ્ટીલ સામે સક્ષમ વિકલ્પ ભારતમાં જ ઉપલબ્ધ થતાં પ્રધાનમંત્રીશ્રીની ‘‘મેઇક ઇન ઇન્ડીયા’’ને વધુ વેગ મળશે.

મુખ્યમંત્રીશ્રી સાથેની આ મૂલાકાત બેઠકમાં શ્રી આદિત્ય મિતલ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, મુખ્ય સચિવ શ્રી અનિલ મૂકીમ મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ અને ઊદ્યોગ અગ્ર સચિવ શ્રી એમ. કે. દાસ વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.