મિતાલી રાજે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ,જયસૂર્યાથી આગળ નિકળી
નવીદિલ્હી: ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં કેપ્ટન મિતાલી રાજ અને હરમનપ્રીત કૌરે શાનદાર ઇનિંગ્સ રમી હતી પરંતુ ભારતીય મહિલા ટીમ દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં કોઈ પણ તબક્કે લય પ્રાપ્ત કરી શકી ન હોતી અને નવ વિકેટે માત્ર ૧૭૭ રન જ બનાવી શકી હતી.
છેલ્લા ૧૨ મહિનામાં ભારતની આ પહેલી મેચ હતી, જેમા તેના બે અનુભવી ખેલાડીઓ જ કોઈ પ્રભાવ કરી શક્યા હતા. ભારતે ૪૦ રનની અંદર સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના (૨૦ બોલમાં ૧૪ રન) સહિત ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારબાદ મિતાલી (૮૫ બોલમાં ૫૦) અને હરમનપ્રીતે (૪૧ બોલમાં ૪૦) ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. મિતાલીની તેના વનડે કારકિર્દીની આ ૫૪ મી અડધી સદી છે, તે મહિલાઓની વનડેમાં પણ મોટો રેકોર્ડ છે. મિતાલી વનડે ક્રિકેટમાં સૌથી વધારે અડધી સદી બનાવનારી મહિલા ક્રિકેટર છે.
આ સિવાય વર્લ્ડ ક્રિકેટમાં મહિલા/પુરૂષ ક્રિકેટમાં સૌથી લાંબી વનડે કારકિર્દીની બાબતમાં મિતાલી બીજા ક્રમે છે. સનથ જયસૂર્યાનાં રેકોર્ડ કરતા તે ઘણી આગળ નીકળી ગઈ છે. મિતાલી રાજની વનડે કારકિર્દીને ૨૧ વર્ષ ૨૫૪ દિવસ થયા છે.આ વિશેષ સૂચિમાં સચિન તેંડુલકર પ્રથમ નંબરે છે, તેંડુલકરની વનડે કારકિર્દી ૨૨ વર્ષ અને ૯૧ દિવસની હતી. સનથ જયસૂર્યાની વનડે કારકિર્દીને ૨૧ વર્ષ ૧૮૪ દિવસ થયા છે. પાકિસ્તાનનાં જાવેદ મિયાંદાદની વનડે કારકિર્દી ૨૦ વર્ષ ૨૭૨ દિવસ રહી છે.