મિત્રોએ જ મિત્રનું અપહરણ કરી પટ્ટા-પાઈપથી ફટકાર્યો
અમદાવાદ, દાણીલીમડા વિસ્તારમાં મિત્રોએ મિત્રનું બળજબરીપૂર્વક અપહરણ કરી આખી રાત અલગ અલગ જગ્યાએ લઈ જઈ પટ્ટા તેમજ પાઈપ વડે હુમલો કરી લોહીલુહાણ કરી દીધો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. યુવક-યુવતી ગુમ હોવાથી મિત્રોએ મિત્રનું અપહરણ કરી એક હોટલમાં બંધક બનાવ્યો હતો.
દાણીલીમડાના અમન રેસિડેન્સીમાં રહેતા ફૈઝ સંધીએ અપહરણની ફરિયાદ નોંધાવી છે. ફૈઝ દાણીલીમડા ખાતે હનિશ ઈન્ટરનેશનલ નામની પેન્ટ બનાવવાની કંપનીમાં નોકરી કરે છે. આજથી છ વર્ષ પહેલાં ફૈઝને સહેજાદ શેખ, અબ્દુલગની ઈમ્તિયાઝ અલી સાથે મિત્રતા થઈ હતી. ઈમ્તિયાઝની હોટલ પર અબ્દુલગની નોકરી કરતો હતો.
ગઈ કાલે રાતના અગિયાર વાગ્યાની આસપાસ ફૈઝ બેરલ માર્કેટ પાસે ઉભો હતો ત્યારે ઈમ્તિયાઝ અલીએ ફૈઝને ફોન કરીને તારૂં અરજન્ટ કામ છે, તું જલદી આવ તેવી વાત કરી હતી, જેથી ફૈઝે ઈમ્તિયાઝ અલીને મળવા બોલાવી લીધો હતો.
ઈમ્તિયાઝ અલીની સાથે બે અન્ય મિત્રો પણ ફૈઝ પાસે આવ્યા હતા. તેમણે આવીને ફૈઝને કહ્યેં કે તારો મિત્ર બાદશાહ અને નરગિસ ક્યાં છે. તેઓ આમ કહીને ફૈઝને અપહરણ કરી વટવા રેલવે સ્ટેશન લઈ ગયા હતા અને ત્યાંથી સવારના પાચ વાગ્યા સુધી અલગ અલગ જગ્યાએ ફૈઝને ફેરવતા હતા.
ઈમ્તિયાઝ અલી તેની હજૂરી હોટલમાં ફૈઝનું અપહરણ કરી તેને લઈ ગયો હતો. જ્યાં તેને ઈમ્તિયાઝ અલીના મિત્રોએ પટ્ટા તેમજ પાઈપ વડે ઢોરમાર માર્યો હતો. ઈમ્તિયાઝ અલી ફૈઝને તેના મિત્ર બાદશાહ અહને નરગિસ નામની છોકરી વિષે પૂછતો હતો. ત્યારબાદ તેઓ ફૈઝને પૂરીને જતાં રહ્યાં હતા. સવારના સાત વાગ્યાની આસપાસ તેનો મિત્ર બાદશાહ આવી ગયો હતો અને ફૈઝને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયો હતો.