મિત્રોનું દેવુ માફ થઇ શકે છે, તો ખેડૂતોનું કેમ નહીઃ રાહુલ ગાંધી
નવીદિલ્હી: દેશમાં કોરોના મહામારી વચ્ચે આજે પણ દિલ્હીમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યુ છે. આ આંદોલનને ટેકો આપવા રાહુલ ગાંધી ઘણીવાર સરકાર પર શાંંબ્દિક પ્રહાર કરી ચુક્યા છે. તાજેતરમાં કોરોના મહામારી વચ્ચે સંસદનું ચોમાસું સત્ર ચાલુ છે. સૌ પ્રથમ, વિરોધી પક્ષોએ દિલ્હીની સરહદ પર ખેડૂત આંદોલનનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમજ ત્રણેય નવા કૃષિ કાયદા પાછા ખેંચવાની માંગ કરી હતી. આ સાથે જ ખેડૂતોની લોન માફીનો મુદ્દો ઉગ્ર બન્યો છે. કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમજ મોદી સરકાર પર ફક્ત મૂડીવાદીઓની મદદ કરવાનો આરોપ લગાવ્યો છે.
કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સમયાંતરે કેન્દ્રની મોદી સરકારની નીતિઓ પર સવાલો ઉઠાવતા રહ્યા છે. રાહુલ ગાંધીનો લગભગ દરેક દિવસે એક ટ્વીટ તો હોય જ છે. આજે ફરી એકવાર તેમણે ટ્વીટ કર્યુ છે અને સરકાર પર ફક્ત મૂડીવાદીઓની મદદ કરવાનો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ એક રિપોર્ટ શેર કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે સરકારે સંસદમાં સ્પષ્ટ કહ્યું છે કે ખેડૂતોનું દેવુ માફ કરવાની કોઈ યોજના નથી. ખેડૂતો પર ૧૬.૮૦ લાખ કરોડની કૃષિ લોન બાકી છે. આ અહેવાલ સાથે રાહુલ ગાંધીએ લખ્યું કે, જ્યારે તમે મિત્રોનું દેવું માફ કરો છો ત્યારે દેશનાં અન્નદાતાનું કેમ નહીં? ખેડૂતોને દેવા મુક્ત બનાવવું એ મોદી સરકારની પ્રાથમિકતા નથી. આ એકદમ અન્યાય છે.
સંસદમાં લેખિત સવાલોનાં જવાબમાં પૂછવામાં આવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ખેડૂતોની લોન માફી માટે શું પગલાં લઈ રહી છે. જેના પર નાણાં રાજ્યમંત્રી ભાગવત કિશનરાવ કરાડે જણાવ્યું હતું કે, હાલમાં સરકાર લોન માફી અંગે કોઈ યોજના પર કામ કરી રહી નથી. જાે આપણે નાબાર્ડનાં આંકડા જાેઈએ તો હાલમાં, ખેડૂતો પર ૧૬.૮ લાખ કરોડનું દેવું છે. બીજી તરફ, રાજ્યોની યાદીમાં તમિળનાડુ ટોચ પર છે, જ્યાં ખેડૂતોનું દેવું ૧.૮૯ લાખ કરોડ રૂપિયા છે