મિરચી ગેંગનો સરદાર આશુ જાટની મુંબઈ ક્રાઇમ બ્રાંચ દ્વારા ધરપકડ
આશુ જાટ પર અઢી લાખ રૂપિયાનું ઈનામ હતું-મિરચી ગેંગનો સરદાર આશુ જાટ પોતાનો વેશ બદલીને મુંબઈમાં રહેતો હતો, તેણે પોતાની દાઢી વધારી હતી
મુંબઈ/મેરઠ, ઉત્તરપ્રદેશનો ખૂંખાર અપરાધી અને મિરચી ગેંગનો સરદાર એવા આશુ જાટની પોલીસે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની મદદથી મુંબઈના જોગેશ્વરી વિસ્તારમાંથી ધરપકડ કરી છે. ખૂંખાર અપરાધી આશુ જાટ પર અઢી લાખ રૂપિયાનું ઈનામ હતું. પોલીસે જણાવ્યું કે ખૂંખાર અપરાધી આશુ જાટ પોતાનો વેશ બદલીને મુંબઈમાં રહેતો હતો.
તેણે પોતાની દાઢી વધારી હતી અને તે જોગેશ્વરી વિસ્તારમાં ફળ વેચવાનું કામ કરતો હતો. હત્યા, લૂંટ અને અપહરણના ૫૧ કેસના આરોપી આશુ જાટની પત્ની અને તેની ગેંગના અન્ય સભ્યોની પોલીસે હાલમાં જ ધરપકડ કરી હતી. જાણકારી મુજબ ખૂંખાર અપરાધી આશુ જાટે એવી આશંકા વ્યક્ત કરી છે કે ઉત્તરપ્રદેશ એસટીએફ તેનું એન્કાઉન્ટર કરશે. પોલીસે જણાવ્યું કે આશુ જાટ મુંબઈના વિલે પાર્લે વિસ્તારમાં ભાડાના એક રૂમમાં રહેતો હતો.
તેણે ઉત્તરપ્રદેશમાં પોતાના કોઈ સહયોગીને ફોન કર્યો હતો. પોલીસે જણાવ્યું કે આ એક ભૂલના કારણે તેની ધરપકડનો રસ્તો સાફ થઈ ગયો હતો. ખૂંખાર અપરાધી આશુ જાટે તેનો ફોન સ્વિચ ઓફ કરી લીધો હતો અને મુંબઈના ઈરલા માર્કેટમાં ફળ વેચી રહ્યો હતો. આશુ જાટની ધરપકડ કરવા માટે મુંબઈ ક્રાઈમ બ્રાંચના કેટલાંક પોલીસકર્મીઓ સતત ૩ દિવસ સુધી ફળ વેચનારા ફેરિયા બનીને ત્યાં હાજર રહ્યા હતા. મુંબઈ ક્રાઈમ બ્રાંચની ટીમના અધિકારીઓ આશુ જાટ પાસે પહોંચ્યા અને તેની ધરપકડ કરી. અહીં ઉલ્લેખનીય છે કે આશુ જાટ અને તેનો ભાઈ ૨૫ સભ્યોની એક ગેંગ ચલાવે છે. આ ગેંગનું નામ મિરચી ગેંગ છે. આ ગેંગના અપરાધીઓ લોકોની આંખમાં મરચુ નાખીને લૂંટફાટ કરતા હતા.