મિર્ઝાપુરનો એક્ટર બ્રહ્મા મિશ્રા ઉર્ફ ‘લલિત’નું નિધન
ભોપાલ, વેબસિરીઝ મિર્ઝાપુરમાં લલિતનો રોલ કરનાર અને મુન્ના ભૈયાનો ખાસ મિત્ર બ્રહ્મા મિશ્રાનું નિધન થઈ ગયું છે. 29 નવેમ્બરના રોજ ચેસ્ટ પેનની ફરિયાદ બાદ ડૉક્ટરે ગેસની દવા આપીને ઘરે મોકલી દીધો હતો, પરંતુ બ્રહ્માને હાર્ટ-અટેક આવ્યો અને તેનું નિધન થઈ ગયું.
સૌથી દુઃખદ વાત એ છે કે તેનો મૃતદેહ ત્રણ દિવસ સુધી તેના ઘરના બાથરૂમમાં પડી રહ્યો હતો. જ્યારે તેનો મૃતદેહ મળી આવ્યો ત્યારે તે ડિકમ્પોઝ એટલે કે સડી ગયેલી હાલતમાં હતો. અત્યારે મુંબઈમાં પોલીસ તેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી રહી છે, જેથી મૃત્યુનો યોગ્ય સમય અને કારણ જાણી શકાય.
ભોપાલ રાયસેનનો રહેવાસી બ્રહ્મા મિશ્રા 32 વર્ષનો હતો. તેને રાયસેનમાં જ 10મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તેના પિતા ભૂમિ વિકાસ બેંકમાં કામ કરતા હતા. બ્રહ્માએ મિર્ઝાપુર સિવાય ‘કેસરી’, ‘હસીન દિલરુબા’, ‘માંઝી’, ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’માં પણ કામ કર્યું હતું.
બ્રહ્માએ 2013માં ‘ચોર ચોર સુપર ચોર’થી ડેબ્યુ કર્યું હતું. તેની છેલ્લી ફિલ્મ 2021માં તાપસી પન્નુ સાથે ‘હસીન દિલરુબા’ હતી. મુંબઈમાં સંઘર્ષ દરમિયાન તેને ક્યારેય પણ ફાઈનાન્શિયલ ક્રાઈસિસનો સામનો નથી કરવો પડ્યો, કેમ કે તેના પિતા અને મોટો ભાઈ સંદીપ સપોર્ટ કરતા હતા.
બે દિવસ પહેલાં એટલે કે 30 નવેમ્બરે બ્રહ્માનો 32મો જન્મદિવસ હતો. બ્રહ્માએ 5 દિવસ પહેલાં ફેસબુક પોસ્ટ પણ કરી હતી, જેમાં તેણે લખ્યું છે કે- આસક્તિનો નાશ જ મોક્ષ કહેવાય છે.