મિલર-મોરિસની ઝંઝાવાતી બેટિંગ, રાજસ્થાનનો વિજય
નવી દિલ્હી: ડેવિડ મિલરની આક્રમક અડધી સદી બાદ ક્રિસ મોરિસે કરેલી તોફાની બેટિંગની મદદથી રાજસ્થાન રોયલ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ટી૨૦ ક્રિકેટમાં ગુરૂવારે રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે ત્રણ વિકેટે વિજય નોંધાવ્યો હતો. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે ૧૪૮ રનનો લક્ષ્યાંક હતો જેને ટીમે સાત વિકેટ ગુમાવીને પાર પાડ્યો હતો. રાજસ્થાને ટોસ જીતીને દિલ્હીને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. દિલ્હીએ કેપ્ટન રિશભ પંતની ૫૧ રનની ઈનિંગ્સની મદદથી નિર્ધારીત ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૪૭ રનનો સ્કોર નોંધાવ્યો હતો.
જેના જવાબમાં રાજસ્થાને ૧૯.૪ ઓવરમાં ૭ વિકેટે ૧૫૦ રન નોંધાવીને મેચ જીતી લીધી હતી. રાજસ્થાન માટે ડેવિડ મિલરે ૬૨ રન ફટકાર્યા હતા. જ્યારે મોરિસે ૧૮ બોલમાં ૩૬ રનની તોફાની ઈનિંગ્સ રમી હતી અને નોટઆઉટ રહ્યો હતો. અંતિમ ઓવરમાં રાજસ્થાનને જીતવા માટે ૧૨ રનની જરૂર હતી. મોરિસે ટોમ કરનની ઓવરના પ્રથમ બોલ પર બે રન લીધા હતા અને બીજા બોલ પર સિક્સર ફટકારી હતી. ત્રીજાે બોલ ખાલી ગયો હતો જ્યારે ચોથા બોલે વધુ એક સિક્સર ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો.
૧૪૮ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની શરૂઆત દિલ્હીની જેમ ખરાબ રહી હતી. રાજસ્થાનના ટોચના ચાર બેટ્સમેન બે આંકડાનો સ્કોર પણ નોંધાવી શક્યા ન હતા. જાેસ બટલર બે, મનન વોરા નવ, કેપ્ટન સંજૂ સેમસન ચાર તથા શિવમ દૂબે બે રન નોંધાવીને આઉટ થયા હતા. રાજસ્થાને ૩૬ રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. જ્યારે ટીમનો સ્કોર ૪૨ રન પર પહોંચ્યો ત્યારે અડધી ટીમ આઉટ થઈ ગઈ હતી. ત્યારે દિલ્હીએ પોતાનો દબદબો બનાવી દીધો હતો. જાેકે, ડેવિડ મિલરે એક છેડો જાળવી રાખ્યો હતો.