મિલિંદ સોમનનો પ્રધાનમંત્રીને સવાલઃ લોકો ટિકા કરે છે તેનો કેવી રીતે તેઓ સામનો કરો છો??
અભિનેતા અને મોડેલ મિલિંદ સોમન સાથે પ્રધાનમંત્રીનો વાર્તાલાપ
મિલિંદ સોમનને ‘મેડ ઇન ઇન્ડિયા મિલિંદ’ તરીકે ગણાવતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ પોતાની એક અનોખી શૈલીમાં જ મેક ઇન ઇન્ડિયાના મૌખિક સમર્થક છે. મિલિંદ સોમને જણાવ્યું હતું કે, ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના કારણે લોકોમાં તંદુરસ્તી અંગે જાગૃતિ આવી છે, તેઓ હવે પોતાની શારીરિક અને માનસિક મજબૂત અંગે જાગૃત થયા છે. તેમણે પોતાની માતાની તંદુરસ્તી અંગે ચર્ચા કરી હતી. સોમને જણાવ્યું હતું કે, જુના જમાનાના લોકો ઘણા તંદુરસ્ત હતા અને તેઓ ગામડાઓમાં પાણી લેવા માટે 40-45 કિમી જેટલુ ચાલતા હતા. પરંતુ વર્તમાન સમયમાં, શહેરોમાં ટેકનોલોજી સરળતાથી ઉપલબ્ધ હોવાથી, આપણે બેઠાડું જીવન જીવવા લાગ્યા છીએ અને તેના કારણે સંખ્યાબંધ સમસ્યાઓને નોંતરી રહ્યાં છીએ.
પ્રધાનમંત્રીએ જણાવ્યું તું કે, તંદુરસ્તીને કોઇ ઉંમર સાથે લેવાદેવા હોતા નથી અને મિલિંદ સોમનના માતા 81 વર્ષની વયે પણ પુશ અપ્સ સહિતની કસરતો કરીને પોતાની તંદુરસ્તી જાળવી રાખે છે તે બદલ તેમની પ્રશંસા કરી હતી.
મિલિંદ સોમને જણાવ્યું હતું કે, કોઇપણ વ્યક્તિ પોતાની પાસે જે કંઇપણ હોય તેનો ઉપયોગ કરીને પોતાને તંદુરસ્ત અને સ્વસ્થ રાખી શકે છે, તેમનામાં માત્ર આત્મવિશ્વાસ હોવો જોઇએ અને આમ કરવાનો મનમાં દૃઢ નિર્ધાર હોવો જોઇએ.
મિલિંદે પ્રધાનમંત્રીને સવાલ કર્યો હતો કે, લોકો તેમની ટિકા કરે છે તેનો કેવી રીતે તેઓ સામનો કરો છે? આ અંગે પ્રધાનમંત્રીએ જવાબ આપ્યો હતો કે, સંપૂર્ણ સમર્પણની ભાવના, દરેક વ્યક્તિની સેવા કરવાની લાગણી અને ફરજની નિષ્ઠા સાથે કોઈપણ કામ કરવામાં આવે તો તેનાથી જરાય તણાવ લાગતો નથી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સ્પર્ધાત્મકતા એ વિચારસરણીની સ્વસ્થ રીતનું પ્રતીક છે પરંતુ કોઈપણ વ્યક્તિ બીજા સાથે હોડમાં ઉતરવાના બદલે પોતાની જાત સાથે સ્પર્ધા કરવી જોઈએ.