Western Times News

Gujarati News

મિલ્લતનગરમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી

મરનારની અગાઉ બીઆરટીએસ બસને ઉડાવી દેવાની ધમકી આપવાના કેસમાં ધરપકડ કરાઈ હતી

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં હત્યા, હુમલા સહિતની ચોંકાવનારી ઘટનાઓ વચ્ચે ગઈકાલે શહેરના આંબાવાડી વિસ્તારમાં એક સગીરાની હત્યાથી પોલીસતંત્રમાં ખળભળાટ મચી ગયો છે ત્યારે મોડી રાત્રે શહેરના મિલ્લતનગરમાં એક યુવકની તેના જ મિત્રોએ તેના જ ઘરની બહાર તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરપીણ હત્યા કરી નાંખતા સનસનાટી મચી ગઈ છે.

ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોચી જઈ વધુ તપાસ હાથ ધરી છે આરોપીઓ હત્યા કર્યા બાદ ભાગી છુટયા છે જેની શોધખોળ ચાલુ છે આ અંગે ઈસનપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં એક પછી એક ગંભીર ઘટનાઓ ઘટી રહી છે અમદાવાદ શહેરમાં ગઈકાલે હત્યાની બે ઘટનાઓ ઘટી હતી જેના પરિણામે શહેરનું પોલીસતંત્ર દોડતુ થઈ ગયું હતું આંબાવાડી વિસ્તારમાં સગીરાની હત્યાની તપાસ ચાલી રહી હતી ત્યાં જ શહેરના ઈસનપુર પોલીસ સ્ટેશન હેઠળના મિલ્લતનગરમાં યુવકની હત્યાના સમાચાર મળતા જ પોલીસ અધિકારીઓ દોડી ગયા હતાં.

મિલ્લતનગરમાં રહીમભાઈની ચાલીમાં રહેતા મોહંમદ યાસીન શેખ ઉર્ફે બાબા હડી નામનો યુવક પોતાના મિત્રો સાથે ગઈકાલે રાત્રે બહાર ગયો હતો આ દરમિયાનમાં તેના મિત્રો સાથે બોલાચાલી થઈ હતી પરંતુ સ્થળ પર આ મુદ્દે મામલો થાળે પડી ગયો હતો જેના પરિણામે રાત્રે ૯.૩૦ વાગ્યાની આસપાસ મહંમદ યાસીન ઉર્ફે બાબા ઘરે પરત ફર્યો હતો.

બાબા હડી ઘરે પરત ફર્યા બાદ થોડી જ વારમાં આજ ચાલીમાં રહેતા અફજલ અહેમદ શેખ તથા અન્ય શખ્સો તેના ઘરની બહાર આવ્યા હતા બોલાચાલી બાદ તેના મિત્રોએ નારાજગી વ્યકત કરી હતી અને ભારે રોષ જાવા મળતો હતો વારંવાર મહંમદ યાસીન ઝઘડો કરતો હોવાથી તેના મિત્રો ત્રાસી ગયા હતા અને ગઈકાલે રાતના ઝઘડા બાદ પણ તેઓ રોષે ભરાયા હતા.

આ તમામ લોકો રાત્રિના સમયે મોહંમદ યાસીનના ઘરની બહાર આવ્યા બાદ બુમો પાડવા લાગતા મોહંમદ યાસીન બહાર આવ્યો હતો આ દરમિયાનમાં જ અફજલ શેખે તેને સાથે ઝઘડો કર્યો હતો અને હુમલો કરતા મોહંમદ યાસીન પણ સ્વબચાવમાં હુમલો કરતો હતો આ દરમિયાનમાં અફજલ શેખે પોતાની પાસે રહેલી તીક્ષ્ણ ધારદાર છરી કાઢી મહંમદ યાસીનના શરીર પર સંખ્યાબંધ ઘા ઝીંકી દીધા હતા જેના પરિણામે તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડયો હતો.

મારામારીની આ ઘટનાથી આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને સમગ્ર ચાલીમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો ટોળા એકત્ર થઈ જતા આરોપી અફઝલ શેખ ત્યાંથી ભાગી છુટયો હતો

બીજીબાજુ ઘટનાની જાણ થતાં ઈસનપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓ પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને તપાસ કરતા મહંમદ યાસીન શેખનું સ્થળ પર જ મોત નીપજયું હતું તપાસ કરતા મહંમદ યાસીનની અગાઉ પણ બીઆરટીએસ બસને બોમ્બ વિસ્ફોટ કરી ઉડાવી દેવાના કેસમાં એસઓજીએ ધરપકડ કરી હોવાનું જાણવા મળી રહયું છે.

ઈસનપુર પોલીસે આ અંગે હત્યાનો ગુનો દાખલ કરી નાસી છુટેલા અફઝલ શેખની શોધખોળ શરૂ કરી છે આ ઘટનાથી સમગ્ર ચાલીમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.