મિશન મંગલમ્ હેઠળ ગુજરાતમાં ૨.૬૦ લાખ સખી મંડળો સાથે ૨૬ લાખ નારીશક્તિને સાંકળવામાં આવી છે
બે દાયકા પહેલા ગુજરાતમાં જે કુપોષણની સમસ્યા હતી, તેને નાબૂદ કરવામાં સરકારની યોજનાઓ અસરકારક રહી હોવાનું સગૌરવ ઉલ્લેખ કરતા શ્રી મોદીએ જણાવ્યું કે, માત્ર યોજનાઓનો અમલ જ નહીં પણ મહિલાઓ માટે યોગ્ય વાતાવરણનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે.
ગુજરાતે કુપોષણની સમસ્યાને કેન્દ્રમાં રાખીને દૂધસંજીવની યોજના, આયોડાઇઝ્ડ નમક, ટેક હોમ રાશન, પૂર્ણા યોજના, ફોર્ટીફાઇડ આટા થકી મહિલાઓ અને તેના બાળકોને સુપોષિત કરવામાં આવ્યા છે. તેના અસરકારક અમલ બદલ ગુજરાતને નાગરિક સેવાનો એવોર્ડ મળ્યો છે અને દેશને નવી રાહ આપી છે.
ઉક્ત યોજનાની વિસ્તૃત ભૂમિકા આપતા શ્રી મોદીએ કહ્યું કે, ગુજરાતમાં આંગણવાડીના ૧૪ લાખ બાળકોને ફોર્ટીફાઇડ આટો, ૧૪થી ૧૮ વર્ષની બાર લાખ કિશોરીઓને પૂર્ણા યોજનાનો લાભ આપી ઉત્તમ પોષણયુક્ત પૂરક પૂરો પાડવામાં આવ્યો છે. પોષણ સુધા યોજનાઓના પ્રાયોગિક અમલમાં મળેલા સકારાત્મક પરિણામોને ધ્યાને રાખીને ગુજરાત સરકાર દ્વારા રાજ્યના તમામ ૧૪ આદિવાસી જિલ્લાઓમાં તેનો અમલ કરવામાં આવ્યો છે,
જેને લાભ રાજ્યની ૧.૩૬ લાખ મહિલાઓને મળશે. ઇ-મમતા પ્રોજેક્ટમાં ટેક્નોલોજીના વિનિયોગ કરી મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્યનું એપ્લિકેશન મારફત સમયસર નિરીક્ષણ કરવામાં આવે છે. ગુજરાતમાં ૧૨ લાખ સહિત દેશમાં ૧૧.૫૦ કરોડ આંગણવાડી કાર્યકરો અને આશાવર્કરોને ઉપકરણો આપવામાં આવ્યા છે. આ બાબતે જાગૃતિ આવે એ માટે સપ્ટેમ્બર માસને પોષણ માહ તરીકે મનાવવામાં આવે છે.
મહિલાઓને યોગ્ય વાતાવરણ પણ મળી રહે તેનો પણ સરકાર દ્વારા ખ્યાલ રાખવામાં આવે છે, તેમ કહેતા વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું કે, મહિલાઓને રાંધણ ગેસ આપીને ધૂમાડામાંથી મુક્તિ આપવામાં આવી છે. નળથી જળ આપીને મહિલાઓને માથેથી બેડાનો ભાર ઉતારવાનું કામ પણ અમે કર્યું છે. ઘરે ઘરે શૌચાલયો બનાવી મહિલાઓને સન્માન આપ્યું છે. પ્રધાનમંત્રી માતૃવંદના હેઠળ ગુજરાતમાં ૯ લાખ મહિલાઓને રૂ. ૪૦૦ કરોડનો લાભ આપવામાં આવ્યો છે.
ગુજરાતમાં વર્ષોથી આદિવાસી પરિવારો સીકલસેલ એનિમિયાથી પીડાતા હતા. ગુજરાતમાં અનેક સરકારોએ આવી પણ આ બિમારીની અવગણના કરવામાં આવી હતી. પણ, તેને દૂર કરવા અમે બીડું ઉપાડ્યું છે અને સિકલસેલ સોસાયટીની રચના કરી તેના માટે સંશોધન હાથ ધરવામાં આવ્યું છે.
મહિલાઓના સશક્તિકરણ માટે પંચાયતી રાજ સંસ્થાઓમાં તેમના માટે ૫૦ ટકા બેઠકો અનામત રાખવામાં આવી છે, તેનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીશ્રીએ એમ પણ કહ્યું કે, મિશન મંગલમ્ હેઠળ ગુજરાતમાં ૨.૬૦ લાખ સખી મંડળો સાથે ૨૬ લાખ નારીશક્તિને સાંકળવામાં આવી છે.
જેમાં આદિવાસી, ગરીબ, વંચિત મહિલાઓ જોડાઇ પગભર બની તેમને આર્થિક તાકાત મળતા અર્થવ્યવસ્થામાં પણ ભાગીદાર બની છે. મહિલાઓને વધુ આર્થિક સક્ષમ બનાવવા માટે સખી મંડળોને મળતી લોનની મર્યાદા રૂ. ૧૦ લાખથી વધારી રૂ. ૨૦ લાખ કરવામાં આવી છે. મુદ્રા યોજના હેઠળ લોન મેળવનારોમાં ૭૦ ટકા જેટલી મહિલાઓનો સમાવેશ થાય છે.
શ્રી મોદીએ માતૃશક્તિને ભાવપૂર્ણ રીતે કહ્યું કે, આજે ૧.૪૧ લાખ ગરીબ પરિવારોને ઘરના ઘરનું સપનું સાકાર થયું છે. પહેલા મહિલાઓના નામે કાણી પાઇની પણ સંપતિ નહોતી. પણ, તમારો એવો દીકરો બેઠો છે, જેણે આવાસો આપીને ગુજરાતમાં મહિલાઓના નામે એક વર્ષમાં રૂ. ૩૦૦૦ કરોડની સંપત્તિ કરી છે.
ગુજરાતમાં ૧૦.૫૦ લાખ શહેરી ગરીબો અને ૭.૫૦ લાખ ગ્રામીણ ગરીબો તેમજ ૪.૫ લાખ મધ્યમ વર્ગના પરિવારોને આવાસો પૂરા પાડ્યા છે. શહેરોમાં સસ્તા દરે ઘરો ભાડે આપવાની યોજનામાં ગુજરાત સમગ્ર અગ્રેસર છે. નાનો ધંધો કરતા વેપારીઓને વ્યાજના ચક્રમાં ના ફસાવું પડે એ માટે પીએમ સ્વનિધિ યોજના હેઠળ શેરી ફેરિયાઓને બેંક લોન આપવામાં આવી રહી છે.