Western Times News

Gujarati News

મિશન મિલિયન ટ્રીઃ અમદાવાદમાં ૧૨.૩૦ લાખથી વધુ રોપાનું વાવેતર

અમદાવાદ, સ્માર્ટ સિટી અમદાવાદ વિકાસની દૃષ્ટિએ કૂદકે ને ભુસકે હરણફાળ ભરી રહ્યુ છે. શહેરમાં ચારે તરફ સિમેન્ટ- કોંક્રીટના જંગલ નજરે પડે છે.

બીજી તરફ આકાશને આંબતી ઇમારતની વચ્ચે અમદાવાદીઓને ઉનાળાના ધોમધખતા તાપ વચ્ચે કોઇ વૃક્ષની શીતળ છાંય મળી રહે તે દિશામાં મ્યુનિ. સત્તાવાળાઓ પ્રયત્ન કરી રહ્યા છે. મ્યુનિ. તંત્રના પ્રયાસોના પગલે શહેરમાં મિશન મિલિયન ટ્રી અભિયાન હાથ ધરાયું છે, જે અંતર્ગત ગત તા.૫ જૂનના વિશ્વ પર્યાવરણ દિવસથી ગઇકાલ સુધી શહેરમાં કુલ ૧૨.૩૦ લાખથી વધુ રોપા વવાયા છે.

મ્યુનિ. બાગ બગીચા વિભાગ દ્વારા સતત ત્રીજા વર્ષે મિશન મિલિયન ટ્રી હેઠળ દસ લાખથી વધુ રોપા વાવીને નવો રેકોર્ડ કરાયો છે. ગત નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯થી અમદાવાદમાં મિશન ટ્રી અભિયાન હાથ ધરાયું હતું. આ અભિયાન હેઠળ સત્તાવાળાઓએ પહેલા જ વર્ષે ૧૦ લાખથી વધુ એટલે કે ૧૧.૮૫ લાખ રોપા વવ્યા હતા.

ત્યાર પછીના નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં કોરોના મહામારીના પ્રકોપ વચ્ચે પણ આ વિભાગે કુલ ૧૦.૮૬ લાખ રોપા વાવવાની સિદ્ધિ હાંસલ કરી હતી, જ્યારે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં તંત્રે કુલ ૧૩.૪૦ લાખ રોપાના વાવેતરનો લક્ષ્યાંક નક્કી કર્યો હોઇ ગઇકાલ સુધી ૧૨,૩૦,૭૯૬ રોપા વવાઇ ચૂક્યા છે.

શહેરના સાત ઝોન હોઇ ઝોન દીઠ રોપાના વાવેતરની વિગત તપાસતાં પૂર્વ ઝોનમાં સધુ વધુ ૩,૧૫,૭૧૨ રોપા, પશ્ચિમ ઝોનમાં ૨,૦૯,૬૪૫ રોપા, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૨,૨૦,૩૮૦ રોપા, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૧,૫૧,૦૩૨ રોપા, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૧,૧૮,૬૨૦ રોપા, દક્ષિણ ઝોનમાં ૧,૮૮,૫૦૧ રોપા અને મધ્ય ઝોનમાં સૌથી ઓછા ૨૧,૯૩૬ વવાયા છે.

સત્તાવાળાઓ દ્વારા હજુ વૃક્ષારોપણની ગતિમાં વધારો કરાશે. અગાઉ ભલે ૧૩.૪૦ લાખ રોપાના વાવેતરનો લક્ષ્યાંક રખાયો હતો, પરંતુ હવે કુલ ૧૫ લાખ રોપા વાવવાનો નવો લક્ષ્યાંક રખાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.