Western Times News

Gujarati News

મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે રાજ્યની 15000 સરકારી પ્રાથમિક શાળાઓને કાર્યરત કરવામાં આવશે

કોઈપણ રાષ્ટ્ર, રાજ્ય કે સમાજના વિકાસના પાયામાં શિક્ષણમુખ્ય બાબત, બીબાઢાળ અને કાલ બાહ્ય શિક્ષણના સ્થાને ઇન્ક્લુઝિવ અને ઇક્વિટેબલ શિક્ષણ પૂરું પાડવું તે સમયની માંગ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

·         PM શ્રી શાળાઓ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -૨૦૨૦ની પ્રયોગશાળા હશે, જેવિદ્યાર્થીઓને ભવિષ્ય માટે તૈયાર કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ હશે

આ કોન્ફરન્સ ટેકનોલોજીની મદદથી શિક્ષણ ક્ષેત્રને નવી ઊંચાઈ પર લઈ જવા, રાષ્ટ્રીય શિક્ષા નીતિના અસરકારક અમલીકરણ તથા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નયા ભારતની કલ્પનાને સાકાર કરવાની દિશામાં મહત્વનું પગલું સાબિત થશે

મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે ‘નેશનલ કોન્ફરન્સ ઓન સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર્સ’નો શુભારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ : કેન્દ્રિય શિક્ષણ મંત્રીશ્રી ધર્મેન્દ્ર પ્રધાન સહિત વિવિધ રાજ્યોના શિક્ષણમંત્રીશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, આપણી સંસ્કૃતિમાં વિદ્યાધન એ સર્વશ્રેષ્ઠ ધન છે ત્યારે ટિચિંગ અને લર્નિંગની પ્રોસેસને સતત રિડિફાઇન અને રીડીઝાઈન કરતા રહેવાની આવશ્યકતા સમજીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૩૪ વર્ષ જૂની શિક્ષણ નીતિમાં બદલાવ લાવી સમયાનુકૂળ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દેશની આપી છે.

સૌને સમાન અને ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ આપવાના રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ધ્યેયને સિદ્ધ કરવા સમગ્ર દેશ વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં કાર્ય કરી રહ્યો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ભારત સરકારના શિક્ષણ વિભાગ અને ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા યોજાઈ રહેલી દ્વિ-દિવસીય ‘નેશનલ કોન્ફરન્સ ઓન સ્કૂલ એજ્યુકેશન’ને મુખ્યમંત્રીશ્રી સંબોધન કરી રહ્યા હતા.

આ કોન્ફરન્સમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, રાજ્યમંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી, ડૉ.સુભાષ સરકાર, શ્રી રાજીવ ચંદ્રશેખર, ગોવાના મુખ્યમંત્રીશ્રી પ્રમોદ સાવંત, ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, દેશના વિવિધ રાજ્યોના શિક્ષણ મંત્રીશ્રીઓ, NEP-2020 ની ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન ડૉ. કે. કસ્તુરીરંગન સહિતના શિક્ષણવિદો, ગુજરાત સરકારના મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહભાગી થયા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું કે, કોઈપણ રાષ્ટ્ર, રાજ્ય કે સમાજના વિકાસના પાયામાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા મુખ્ય બાબત છે. બીબાઢાળ અને કાલબાહ્ય શિક્ષણના સ્થાને ઇન્ક્લુઝિવ અને ઇક્વિટેબલ શિક્ષણ પૂરું પાડવું તે સમયની માંગ છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ  રાષ્ટ્રના બાળકો અને આવનારી પેઢીને આવું સમયાનુકુલ શિક્ષણ આપવાની પ્રતિબદ્ધતા સાથે આ નવી શિક્ષણ નીતિ આપી છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આઠ વર્ષના કાર્યકાળમાં દેશમાં અનેક નવી પહેલ થઇ છે, નવી શિક્ષણ નીતિ તેમાંની એક છે. આ નીતિને પરિણામે દેશના યુવાનોને  ઉચ્ચ શિક્ષણ પણ માતૃભાષામાં મળતું થશે.

દેશમાં શિક્ષણ પાછળ થતો ખર્ચ લગભગ બમણો કરવામાં આવ્યો છે, સાથે-સાથે કૌશલ્યવર્ધન ઉપર પૂરતું મહત્ત્વ અપાયું છે અને દેશના ૧.૩૪ કરોડ યુવાનોનું કૌશલ્યવર્ધન થયું છે.

 

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન દીકરીઓના શિક્ષણને વેગ આપવા યોજેલા શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી રથયાત્રા તેમજ ગુણોત્સવ કાર્યક્રમોના મળેલા ઉત્કૃષ્ટ પરિણામોની સફળતાની વિગતો મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંપૂર્ણ અમલીકરણમાં ગુજરાતને અગ્રેસર રાખવાની નેમ વ્યક્ત કરી હતી.

તેમણે કહ્યું કે, કોરોનાકાળમાં વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય ખોરવાઇ ન જાય તે માટે ગુજરાતે પહેલ કરીને હોમ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત “ગુજરાત ઇ- ક્લાસ” નામની યુ-ટ્યુબ ચેનલ શરૂ કરી હતી. તેને યુ-ટ્યુબ સિલ્વર એવોર્ડ મળ્યો છે. રાષ્ટ્રીય ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે કાર્યરત ‘દીક્ષા’ પ્લેટફોર્મના ઉપયોગમાં પણ ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, છેલ્લા ત્રણ વર્ષમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત ૧૬,૦૦૦ જેટલા સ્માર્ટ વર્ગખંડો શરૂ થયા છે. માઈક્રોસોફ્ટ ટીમ દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧ માં ૬ કરોડથી પણ વધુ વર્ચ્યુઅલ ક્લાસરૂમ લેવામાં આવ્યા છે, જેમાં ગુજરાત સમગ્ર વિશ્વમાં ત્રીજા ક્રમે છે. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે રાજ્યની ૧૫,૦૦૦ સરકારી પ્રાથમિક શાળાઓને કાર્યરત કરવામાં આવશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની આગવી પહેલ એવા વિદ્યા સમીક્ષા કેન્દ્રની વિષેશતાઓની વિસ્તૃત છણાવટ કરી હતી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ડેટા એનાલીસીસની ઉપયોગિતા તેમજ  વિદ્યાર્થી અને શિક્ષકોની હાજરી, શાળાનું ગ્રેડેશશન, સત્રાંત પરીક્ષા, યુનિટ ટેસ્ટ વગેરે કાર્યવાહીની વિગતો તેમણે આપી હતી. ગુજરાતની શિક્ષણ ક્ષેત્રે આવી આગવી પહેલોને પરિણામ સ્વરૂપ વર્લ્ડ બેંક અને એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર બેંક જેવી સંસ્થાઓએ ફંડની ફાળવણી કરી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

આઝાદીના અમૃત મહોત્સવ વર્ષે ગુજરાતમાં આયોજિત બે દિવસીય કોન્ફરન્સમાં દેશભરના શિક્ષણમંત્રીશ્રીઓ, શિક્ષણવિદો મંથન કરવાના છે ત્યારે શિક્ષણ ક્ષેત્રને વધુ સુદઢ કરવાનું વિચાર અમૃત આ કોન્ફરન્સ ઘડી આપશે તેવો વિશ્વાસ પણ  મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

કેન્દ્રિય શિક્ષણ મંત્રીશ્રી ધર્મેન્દ્ર પ્રધાને સૌને આવકારતા જણાવ્યું હતું કે, શાળા શિક્ષણ એ જ્ઞાન આધારિત સમાજનો પાયો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) નો ઉદ્દેશ સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા તેમજ દરેક માટે શિક્ષણને સુલભ બનાવવાનો છે. આપણે આઝાદીના અમૃત કાળમાં છીએ ત્યારે વૈશ્વિક કલ્યાણ માટે પ્રતિબદ્ધ એવા જ્ઞાન અર્થતંત્ર તરીકે ભારતને સ્થાપિત કરવા માટે આગામી ૨૫વર્ષ આવનાર પેઢી માટે ખૂબજ નિર્ણાયક રેહશે. ભારત એક સંસ્કૃતિ છે જે વસુધૈવ કુટુમ્બુકમમાં માને છે અને આપણે એ સમજવું જોઈએ કે આપણી પાસે માત્ર આપણા રાષ્ટ્રની જ નહીં પરંતુ વિશ્વ કલ્યાણની પણ જવાબદારી છે.

મંત્રીશ્રી એનુરોધ કર્યો હતો કે આપણે ૨૧મી સદીની તકો અને પડકારો માટે તૈયારી કરીએ છીએ, ત્યારે આપણે આપણી શિક્ષણ અને કૌશલ્યની ઇકોસિસ્ટમને વધુ મજબૂત કરવા ટેકનોલોજીનો મહત્તમ લાભ લેવો જોઈએ. તેમણે પૂર્વ-શાળાથી માધ્યમિકને આવરી લેતા NEPના 5+3+3+4 અભિગમ, ECCE પર ભાર, શિક્ષક પ્રશિક્ષણ અને પુખ્ત શિક્ષણ, શાળા શિક્ષણ સાથે કૌશલ્ય વિકાસનું એકીકરણ અને  જે તે રાજ્યોને પોતાની માતૃભાષામાં શિક્ષણને પ્રાધાન્ય આપવા પર ભાર મુક્યો હતો.

મંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સરકાર અગામી સમયમાં PM શ્રી શાળાઓની સ્થાપના કરવા જઈ રહી છે જે વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે તૈયાર કરવા સંપૂર્ણ રીતે સજ્જ હશે. આ અદ્યતન શાળાઓ NEP 2020ની એક આધુનિક પ્રયોગશાળા હશે. તેમણે PM શ્રી શાળાઓના રૂપમાં ભાવિ બેન્ચમાર્ક મોડલ બનાવવા માટે  તમામ રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશો અને સમગ્ર શિક્ષણ ઇકોસિસ્ટમ પાસેથી સૂચનો અને પ્રતિસાદ માંગ્યા હતા.

મંત્રીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આજે કોન્ફરન્સમાં સંરચિત અને પરિણામ આધારિત ચર્ચાઓમાં તમામ રાજ્યના શિક્ષણ પ્રધાનો પાસેથી અનુભવ અને જ્ઞાનની વહેંચણી, NEP 2020ની અનુરૂપ, શિક્ષણના લેન્ડસ્કેપમાં પરિવર્તન તરફ એક ડગલું આગળ લઈ જશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે NEP 2020ના સુચારુ અમલીકરણ માટે આજે દેશમાં સૌથી વધુ ચર્ચા-ચિંતન થઇ રહ્યું છે ત્યારે આ કોન્ફરન્સ સમગ્ર દેશમાં શિક્ષણ પ્રણાલીને વધુ મજબૂત બનાવવા માઈલસ્ટોન સાબિત થશે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ રાષ્ટ્રીય સંમેલનનું ગુજરાતમાં યજમાનપણું આપવા બદલ ગૌરવની અનુભૂતિ વ્યક્ત કરતા ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે, ‘નેશનલ કોન્ફરન્સ ફોર સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર્સ’ કાર્યક્રમ ટેકનોલોજીની મદદથી શિક્ષણ ક્ષેત્રને નવી ઊંચાઈ પર લઈ જવા, નવી શિક્ષા નીતિના અસરકારક અમલીકરણ તથા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નયા ભારતની કલ્પનાને સાકાર કરવાની દિશામાં મહત્વનું પગલું સાબિત થશે.

મંત્રીશ્રી વાઘાણીએ કહ્યું કે, રાષ્ટ્રીય શિક્ષા નીતિ તજજ્ઞો દ્વારા અભ્યાસપૂર્વક તૈયાર કરવામાં આવેલી નીતિ છે જેના અમલીકરણથી સમાજમાં આપણે નવો બદલાવ જોઈ શકીશું. રાષ્ટ્રીય શિક્ષા નીતિ – દેશની આવતી કાલ અને નવા ભારતનો મહત્વનો દસ્તાવેજ સાબિત થશે. જેનું અમલીકરણ આપણી સૌની જવાબદારી છે. સમાજ માટે આપણું સૌથી મોટું દાયિત્વ શિક્ષણ છે અને આ દાયિત્વ સંપૂર્ણ નિષ્ઠા સાથે નિભાવવામાં નવી શિક્ષણ નીતિ સુવર્ણ પગલું બનશે.

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે વિઝન સાથે ગુજરાતમાં લીધેલા નિર્ણયોએ આજે ગુજરાતને દેશના રોલ મોડેલ તરીકે પ્રસ્થાપિત કર્યું છે. મંત્રી શ્રી વાઘાણીએ ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી મોદીએ લીધેલી અનેક પહેલમાં મહાત્મા મંદિર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, દાંડી કુટીર જેવા સ્થળોનો તો સમાવેશ થાય જ છે, તે ઉપરાંત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી થકી માત્ર દેશને જ નહિ, દુનિયાને પણ મદદરૂપ થવા વિશેષ સંસ્થા કાર્યરત કરવામાં આવી છે. સાથોસાથ શિક્ષણ ક્ષેત્રને નવી ટોચ પર લઈ જવા માટે વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા અને સ્કૂલમાં ૧૦૦ ટકા એનરોલમેન્ટ માટેની લક્ષ્યાંક પૂર્ણ કરવા ગુણોત્સવ, કન્યા કેળવણી તથા શાળા પ્રવશોત્સવ જેવા કાર્યક્રમોના વિઝનનો પણ સમાવેશ થાય છે.

શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ વધુમાં ઉમેર્યું કે, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના વિદ્યાર્થીઓને ગુણવત્તાલક્ષી શિક્ષણ મળે એ માટે અનેક યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. જેમાં રૂ.૫૦૦ કરોડની જોગવાઈ ધરાવતી SSIP ૨.૦ (સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી)નો પણ સમાવેશ થાય છે. આ પોલિસીનો વ્યાપ વધારી હવે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પણ આવરી લેવામાં આવ્યા છે. જે અભ્યાસ દરમિયાન અને અભ્યાસ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને નવા ઇનોવેશન માટે મદદરૂપ થઈ રહી છે.

કેન્દ્રીય શિક્ષણ સચિવ શ્રી અનીતા કરવાલે નેશનલ કોન્ફરન્સ ઓફ સ્કૂલ એજયુકેશનને આવકારતા કહ્યું કે, આ પરિષદનો મુખ્ય હેતુ દેશભરની શિક્ષણ વ્યવસ્થાને વધુને વધુ સુદ્રઢ બનાવવા માટે ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગ થકી સૌને ઝડપી અને ગુણવત્તાલક્ષી શિક્ષણનો છે.

તેમણે કહ્યું કે, દેશનો એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે દેશભરના વિવિધ રાજ્યોમાં શિક્ષણની એકસૂત્રતા જળવાઈ રહે તે માટે પાયાના શિક્ષણને મિશન મોડ પર લાવીને શિક્ષણ આપવાનો છે, તે માટે આ કોન્ફરન્સમાં વિચાર વિમર્શ કરાશે. તમામ રાજ્યો શિક્ષણ ક્ષેત્રે ટેકનોલોજીનો ઉપયોગ કરી જ રહ્યા છે તેને છેવાડાના વિદ્યાર્થી સુધી કેવી રીતે પહોચાડાય તે માટેના સંનિષ્ઠ પ્રયાસો કરાશે. કેન્દ્ર સરકાર દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલી બનાવાઈ છે તેનો દેશભરમાં સત્વરે અમલ કરીને સામાજિક ઉત્થાનના પ્રયાસો થકી વિદ્યાર્થીઓને શિક્ષણ અપાશે. લર્નિંગ એજ્યુકેશન, શિક્ષણની ક્ષમતા વધુ મજબુત થાય એ માટે શું કરી શકાય, લર્નિંગ કેપેસીટી, બાળકોનું ટ્રેકિંગ કેવી રીતે થાય જેનાથી તેનું લેવલ જાણી શકાય તે માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કેવી રીતે કરવો એ માટે આદાન પ્રદાન આ કોન્ફરન્સમાં થશે. જેના થકી શિક્ષણ વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવાશે.

નેશનલ કોન્ફરન્સ ઓફ સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર્સ-૨૦૨૨માં મહાત્મા મંદિર ખાતે નેશનલ એજ્યુકેશન પોલિસી-૨૦૨૦ના ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન શ્રી કે. કસ્તૂરીરંગન દ્વારા NEP-૨૦૨૦ના ઉદ્દેશ્યો રજૂ કર્યા હતા.

આ ઉપરાંત શાળા શિક્ષણ અંતર્ગત “ગુજરાત શોકેસિંગ ધ બેસ્ટ પ્રેક્ટિસિસ, ભારત સરકાર દ્વારા અમલી NEP-૨૦૨૦ની વર્તમાન સ્થિતિ તેમજ નેશનલ એજ્યુકેશનલ  ટેકનોલોજી ફોરમ અને નેશનલ ડિજિટલ એજ્યુકેશન આર્કિટેક્ચર વિષય પર વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરાયા હતા.

કોન્ફરન્સમાં દિવસ દરમિયાન કેન્દ્રીય શિક્ષણ મંત્રીશ્રી સહિત વિવિધ રાજ્યોના શિક્ષણ મંત્રીશ્રીઓ વચ્ચે સંવાદ યોજાયો હતો. જેમાં રોલ આઉટ એન્ડ પ્રોગ્રેસ ઓફ NEP-૨૦૨૦ ઈમ્પિલીમેન્ટેશન, સ્ટેટ કરીક્યુલમ ફ્રેમવર્ક(SCF) પ્રિપરેશન, શેરિંગ ઓફ સ્ટ્રેટેજિક ફોર લર્નિંગ રિકવરી આફટર સ્કૂલ રીઓપનિંગ, ફાઉન્ડેશનલ  લિટરસી એન્ડ ન્યુમેરસી એન્ડ વિદ્યા પ્રવેશ, સ્કિલ્સ ઈન સ્કૂલ્સ અને સ્ટુડન્ટ રજિસ્ટ્રી એન્ડ NDEAR જેવા વિષયો ઉપર તજજ્ઞો દ્વારા વિચાર વિમર્શ યોજાયો હતો.

સમગ્ર કાર્યક્રમને અંતે આભારવિધિ શિક્ષણ સચિવ શ્રી વિનોદ રાવે કરી હતી.

આ પ્રસંગે કેન્દ્રીય શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી અન્નપૂર્ણા દેવી, કેન્દ્રીય કૌશલ્ય મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખર, રાજ્યના શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર, શ્રી કિર્તીસિંહ વાઘેલા, રાષ્ટ્રીય શિક્ષા નીતિ ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન શ્રી કે.કસ્તુરીરંગન, રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર, વિવિધ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના શિક્ષણ મંત્રીશ્રીઓ, સચિવશ્રીઓ તથા ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.