મિસ્ટર મોદી, સંસદમાં આવો અને જાસૂસી મુદ્દે અમારી વાત સાંભળો : વિપક્ષોની માગ

નવીદિલ્હી: સંસદનુ ચોમાસુ સત્ર સમાપ્ત થવામાં માત્ર સાત દિવસ બાકી છે, અત્યાર સુધી એક પણ દિવસ એવો નથી રહ્યો કે સંસદના બંને સદનની કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે ચાલી હોય. દરરોજ સંસદની કાર્યવાહીમાં હોબાળો થયો અને જનતાના કરોડો રૂપિયા બરબાદ થઈ ગયા.
તૃણમુલ કોંગ્રેસે વડાપ્રધાન મોદી સાથે સદનની કાર્યવાહીમાં ભાગ લેવાની માગ કરી છે. પેગાસસ જાસૂસી વિવાદને લઈને લોકસભા અને રાજ્યસભામાં પ્રતિરોધની સ્થિતિ બની ગઈ છે. ટીએમસીના સાંસદ ડેરેક ઓ બ્રાયને સંસદમાં વિભિન્ન વિપક્ષી દળને ધક્કો મારવાનો ત્રણ મિનિટનો વીડિયો પોસ્ટ કર્યો, જેનુ શીર્ષક હતુ – મિસ્ટર મોદી, આવો અમારી વાત સાંભળો.
રાજદ સાંસદ મનોજ કુમાર ઝા એ કહ્યુ છે કે સરકાર સંસદમાં પેગાસસ મુદ્દે ચર્ચાનો માર્ગ બંધ કરી રહી છે અને મુદ્દાના સમાધાન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હસ્તક્ષેપ કરવો જાેઈએ. તેમણે કહ્યુ કે સંસદના વ્યર્થ ગયેલા સમયના બદલે ચોમાસુ સત્રનો સમય વધારવામાં આવે.
કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગેએ કહ્યુ, અમે છેલ્લા ૧૪ દિવસથી ચર્ચાની માગ કરી રહ્યા છીએ. આપ તેની અનુમતિ આપી રહ્યા નથી. હવે તમે તે બિલને પસાર કરી રહ્યા છો. જાે તમારામાં હિંમત હોય તો સદનમાં ચર્ચા શરૂ કરો. વૈશ્વિક મીડિયા સંઘ તરફથી પેગાસસ સ્પાઈવેરના ગેરકાયદે ઉપયોગ વિશે રિપોર્ટ કરવા જવાના એક દિવસ બાદ, ૧૯ જુલાઈથી ચોમાસુ સત્ર બાધિત થઈ ગયુ હતુ ત્યારથી પ્રતિરોધની સ્થિતિ પણ બની ગઈ છે.
ચોમાસુ સત્ર પૂરૂં થવામાં માત્ર એક સપ્તાહનો સમય બાકી છે ત્યારે વિપક્ષના નેતાઓનો ત્રણ મિનિટનો વિડિયો જારી કરીને વિપક્ષોએ સરકારને સ્પષ્ટ સંકેત આપ્યો છે. જાે પેગાસસ અને ખેડૂતો મુદ્દે ચર્ચા નહીં થાય તો આગામી દિવસો પણ આવી જ રીતે નકામા સાબિત થશે.
બીજી તરફ સંસદની આઈટી સમિતિના અધ્યક્ષ શશિ થરૂરે એક મહત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું હતું કે અત્યારે તો આઈટી સમિતિની બેઠક થવાની હતી તે થઈ નથી, પરંતુ આગામી દિવસોમાં આઈટી સમિતિ આ મુદ્દે ચોક્કસ વિચારણા કરશે.
શશિ થરૂરે કહ્યું હતું કે આઈટી સમિતિ જાસૂસી પ્રકરણની સુનાવણી કરશે એવી પણ આશા રાખીએ. તેમણે મોદી સરકારની ઝાટકણી કાઢીને કહ્યું હતું કે વિપક્ષનો અવાજ ન સાંભળીને સરકારે લોકશાહીની મશ્કરી કરી છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દે સંસદમાં ચર્ચા થાય તે જ યોગ્ય છે. એ સરકારની જવાબદારી છે.