મીઠાખળીની હોસ્પીટલમાં બિલ્ડર ઉપર જીવલેણ હુમલો
(પ્રતિનિધિ) અમદાવાદ, દરીયાપુરમાં રહેતા બિલ્ડર પત્નીના ઈલાજ માટે મીઠાખળીની હોસ્પીટલમાં આવ્યા હતા જયાં તેમને મળવા આવેલા મિત્ર અને તેના સાગરીતે ઝઘડો કરીને બિલ્ડર ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. બિલ્ડર માંડ પોતાને બચાવીને ભાગ્યા હતા જેના કારણે જીવ બચી ગયો હતો આ ઘટના અંગે નવરંગપુરા પોલીસે તપાસ શરૂ કરી છે.
આરીફ શેખ (૪પ) રાણાપાર્ક એપાર્ટમેન્ટ, ડબગરવાડ, દરીયાપુર ખાતે રહે છે અને બિલ્ડર તરીકે કામ કરે છે તેમની પત્ની શાહીનબાનુ શેખની તબિયત ખરાબ થતાં બુધવારે રાત્રે તેમને લઈ આરીફભાઈ મીઠાખળી છ રસ્તા ખાતે આવેલી નોબલ ગેસ્ટ્રો હોસ્પીટલ ખાતે ગયા હતા તેમની પત્ની સારવાર હેઠળ હતી
એ વખતે રાત્રે તેમના મિત્ર વસીમભાઈએ ફોન કરીને હોસ્પીટલ ખાતે મળવા આવ્યા હતા આરીફભાઈ અને વસીમ વચ્ચે વાત ચાલતી હતી એ દરમિયાન પૈસાની લેતી- દેતીની વાત આવતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. દરમિયાન વસીમની સાથે આવેલા શખ્સે અચાનક તેમના હાથ પકડી લેતા વસીમે તીક્ષ્ણ હથિયારના ઘા તેમના ગળા ઉપર માર્યા હતા
જેને પગલે લોહીનું ખાબોચીયુ ભરાઈ ગયું હતું જેથી આરીફભાઈ જેમ તેમ કરી છુટીને પોતાનો જીવ બચાવીને લિફટની અંદર ઘુસી ગયા હતા અને બંધ કરી ઉપરના માળે જતા રહયા હતા જયાં લોહી વહી જવાથી ચક્કર ખાઈ બેભાન બની ગયા હતા. દરમિયાન વસીમ અને તેનો સાગરીત ભાગી ગયા હતા સારવાર બાદ ભાનમાં આવેલા આરીફભાઈએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસની ફરીયાદ નોંધાવી છે.