મીઠાખળી પાસે સ્કૂટરની ડેકીમાંથી રૂ.૫ લાખની તફડંચી
આંગડીયા પેઢીના કર્મચારીને આંતરી તેની સાથે
|
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ શહેરમાં તસ્કરો અને લુંટારૂઓનો આતંક ખૂબ જ વધી ગયો છે. આ ઉપરાંત ચીલઝડપ કરતી ગેંગ પણ નિર્દાેષ નાગરીકોના દાગીના અને રોકડ રૂપિયા પડાવી પલાયન થઈ જાય છે. આવી ઘટનાઓથી નાગરીકો અસલામતીની લાગણી અનુભવવા લાગ્યાં છે. આ પરિસ્થિતિ વચ્ચે શહેરનાં નવરંગપુરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે.
જેમાં આંગડીયા પેઢીનો એક કર્મચારી રૂપિયાની ડીલીવરી કરવા માટે નીકળ્યો હતો ત્યારે બે ગઠિયાઓએ તેની સાથે અક્સ્માત કર્યાનો આરોપ મૂકી તેની નજર ચૂકવી એક્ટીવાની ડેકીમાંથી રૂ.૫ લાખ રોકડાની તફડંચી કરી ફરાર થઈ જતાં સનસનાટી મચી ગઈ છે. આ અંગે નવરંગપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, ગુજરાતના આર્થિક પાટનગર ગણાતાં અમદાવાદ શહેરમાં મોટાપાયે નાણાંકીય હેરફેરો થતી હોય છે. અમદાવાદ શહેરમાં અનેક આંગડીયા પેઢીઓ પણ આવેલી છે. આંગડીયા પેઢીના કર્મચારીઓ દ્વારા કિંમતી મુદ્દામાલની ડીલીવરી કરવામાં આવતી હોય છે. જેના પરિણામે તેઓ લુંટારૂઓ અને તસ્કરોના નિશાના ઉપર હોય છે.
અમદાવાદ શહેરમાં આંગડીયા પેઢીના કર્મચારીઓને લૂંટવાની અનેક ઘટનાઓ ઘટેલી છે. આ દરમ્યાનમાં શહેરનાં નવરંગપુરા વિસ્તારમાં આવો જ એક બનાવ બન્યો છે. અમદાવાદ શહેરમાં છેલ્લાં કેટલાંક દિવસોથી અકસ્માતનું બહાનું કરી ગઠીયાઓ તેમની પાસેથી કિંમતી મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ જતાં હોવાની સંખ્યાબંધ ઘટનાઓ ઘટી રહી છે. નવરંગપુરા મીઠાખળી છ રસ્તા પર પણ આવો જ એક બનાવ બન્યો છે.
શહેરનાં રતનપોળ વિસ્તારમાં આવેલી મયુરકુમાર કાંતીલાલ નામની આંગડીયા પેઢીનો કર્મચારી તાનાજી પ્રજાપતિ ગઈકાલે મોડી સાંજે રૂ.૫ લાખ રોકડા લઈને તેની ડિલીવરી કરવા માટે નીકળ્યો હતો. રોકડા રૂપિયા સાથે તે નીચે આવ્યો હતો. અને આ રૂપિયા તેણે પોતાની એક્ટીવાની ડેકીમાં મૂક્યા હતાં. એક્ટીવા ચલાવી થોડે આગળ ગયો હશે ત્યારે એક શખ્સ એક્ટીવા લઈ તેની પાસે આવ્યો હતો અને તેને અટકાવ્યો હતો. અજાણ્યા આ શખ્સે આંગડીયાને ધમકી આપી હતી અને કહ્યું હતું કે તું આગળ અકસ્માત કરીને આવ્યો છે.
તેથી સાચવીને એક્ટીવા ચલાય આવું કહી તેની સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો. આ દરમિયાનમાં આ ગઠીયાનો અન્ય એક સાગરીત પણ ત્યાં આવી પહોંચ્યો હતો. આંગડીયા પેઢીનો કર્મચારી કશું સમજે એ પહેલાં બીજા ગઠીયાએ તેની નજર ચૂકવીને ડેકીમાંથી રૂ.૫ લાખ રોકડાની તફડંચી કરી લીધી હતી. અને બીજા શખસે આંગડીયાને ઝઘડો કરી રોકી રાખ્યો હતો. ત્યારબાદ બંને શખ્સો એકટીવા પર બેસીને પલાયન થઈ ગયા હતાં.
જેનાથી આંગડીયાને શંકા જતાં એકટીવાની ડેકી તપાસી હતી. પરંતુ ડેકીમાંથી રોકડ રૂપિયાની ચોરી થઈ ગઈ હોવાનું જણાયું હતું.
જેના પરીણામે તેણે તાત્કાલિક આંગડીયા પેઢીના માલિકને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ તેઓ પણ સ્થળ ઉપર દોડી આવ્યં હતા ત્યારબાદ પેઢીના કર્મચારીને લઈને નવરંગપુરા પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા અને ત્યાં ચોરીની ફરીયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી ઘટના સ્થળની આસપાસનાં સીસીટીવી ફુટેજ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે.