મીઠાના ઉત્પાદન સાથે સંકળાયેલા અગરિયાના બાળકોને અભ્યાસ સંબંધિત વ્યવસ્થા કરાઈ
જિલ્લા વિકાસ અધિકારીએ રણકાંઠે વસેલા અગરિયા પરિવારોની મુલાકાત લીધી
માહિતી બ્યુરો, પાટણ, રણના કાંઠે આવેલા પાટણ જિલ્લામાં મીઠા ઉદ્યોગનો પણ ઉત્તમ વિકાસ થયો છે ત્યારે દેશભરમાં ઘુડખર અભ્યારણ્યના કારણે પ્રસિદ્ધઆ વિસ્તારની મુલાકાત લઈ જિલ્લા વિકાસ અધિકારીશ્રી રમેશ મેરજાએ અગરિયા પરિવારો અને તેમના બાળકોના શિક્ષણની સ્થિતિની જાતમાહિતી મેળવી હતી.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી રમેશ મેરજાએ મીઠાના ઉત્પાદન સાથે સંકળાયેલ અગરિયા પરિવારોની મુલાકાત લઈ અગરિયાના બાળકોને અપાતા શિક્ષણની જાત માહિતી મેળવી હતી.
રાજુસરા અને પર જેવા અંતરિયાળ ગામોની મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સ્કુલ ઑન વ્હિલ્સ અને પ્રાથમિક શાળાની મુલાકાત લઇ બાળકો સાથે સંવાદ સાધી તેમના અભ્યાસ સબંધિત વ્યવસ્થાઓ જાણી હતી. સાથે જ કોરોના સામે રક્ષણ સામે રસીકરણની કામગીરીની માહિતી મેળવી બાળકોને રસીકરણ માટે પ્રોત્સાહિત કર્યા હતા.
વિવિધ વિકાસકાર્યો સમીક્ષા કરી જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ અગરિયા પરિવારોને રાજ્ય સરકારની સહાયલક્ષી યોજનાઓનો મહત્તમ લાભ મળે તે માટે તથા શિક્ષણ અને આરોગ્ય સહિતની વ્યવસ્થાઓ વધુ સુદ્રઢ કરવા જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.
આ મુલાકાત દરમ્યાન જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી શૈલેષભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી વિજયસિંહ પરમાર, ગામના સરપંચશ્રીઓ, તલાટીશ્રીઓ, પ્રાથમિક શાળાના આચાર્યશ્રી તેમજ તાલુકા પંચાયતનો સ્ટાફ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.