મીઠાની ટ્રકોના ત્રાસથી જનતાને બચાવવા પ્રાંત અધિકારીને આવેદન અપાયું
વિરલ રાણા, (પ્રતિનિધિ) ભરૂચ,
જંબુસર તાલુકામાં મીઠા ઉદ્યોગ ખુબજ મોટા પ્રમાણમાં વિકસ્યો છે જે અગરોમાં ઉત્પન્ન થયેલ મીઠુ જબુસર શહેરના રોડ પરથી ઓવરલોડ ટ્રકો ભરી પસાર થાય છે જેને લઈ નગરની જનતાને શારીરિક ત્રાસ પહોચે છે જેના વિરૂધ્ધમાં સામાજીક કાર્યકરો તથા જાગૃત નાગરીકો ધ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
જંબુસર તાલુકાના દરીયાકાંઠા વિસ્તારના ગામોમાં મીઠા ઉદ્યોગ ખુબજ ફુલ્યો ફાલ્યો છે અગરોમાં ઉત્પન્ન થયેલ મીઠુ ભરૂચ જીલ્લામાં તથા અન્ય સ્થળોએ પહોંચાડવા માટે મીઠાના અગરોમાંથી આશરે ૧પ૦ જેટલી ટ્રકો ઓવરલોડ મીઠુ ભરીને જંબુસર શહેરના રહેણાંક વિસ્તારમાંથી પસાર થાય છે આ ઉપરાંત પીશાદ મહાદેવથી હોટલ પ્લાઝા સુધીના રસ્તા પર શાળાઓ, બાલમંદિર, કોલેજ વગેરે શૈક્ષણીક સંસ્થાઓ આવેલ છે.
દરરોજ હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ આ રસ્તા પરથી અવરજવર કરે છે આ ઉપરાંત રહેણાંક સોસાયટીઓ, ધર્મસ્થાનો છે જયાં હજારોની સંખ્યામાં જનમેદની અવરજવર કરતી હોય છે મીઠુ ભરેલી ટ્રકો આ માર્ગો પર બેફામ ગતીથી દોડે છે. આ રસ્તા પરથી પસાર થતી ટ્રકોમાંથી મીઠુ વેરાય છે રસ્તા પર પડેલ મીઠા પરથી વાહનો પસાર થયા બાદ ભુકો થઈ હવામાં બારીક ઉડે છે જે મનુષ્યના નાક, ફેફસા, આંખમાં જવાથી ગંભીર રોગ થવાની સંભાવના રહે છે.
રસ્તા પર ઢોળાયેલ મીઠુ વાતાવરણના ભેજથી ભીનુ થાય છે અને રસ્તો ચીકણો થવાથી ટુ વ્હિલર વાહન સ્લીપ થવાના બનાવો બને છે ઓવરલોડ ટ્રકોને કારણે રસ્તાની આવરદા ઘટી જાય છેને રસ્તાઓને નુકશાન થાય છે મીઠા ભરેલી ટ્રકો પર તાડપત્રી મારવા બાબતે વારંવાર રજુઆતો કરી છતાંય તાડપત્રી ઢાંકવામાં આવતી નથી મીઠાની ટ્રકોને કારણે વિદ્યાર્થીઓ, નાગરીકો ભયના ઓથા હેઠળ રસ્તા પરથી પસાર થાય છે ટ્રકોવાળા કાયદાનું પાલન કરતા નથી તથા લાગતાવળગતા અધિકારીઓ કોઈ જ કાર્યવાહી કરતા નથી ભુતકાળમાં પણ જંબુસરની જનતાએ આ બાબતે આંદોલન કર્યું હતું છતાંય આ સમસ્યાનું નિરાકરણ આવેલ નથી જેને લઈ જંબુસર શહેરના સામાજીક કાર્યકરોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યુ હતું આવેદનપત્ર આપવા નિલેશભાઈ ભાવસાર, નિખિલભાઈ જાની, શૈલેષ પટેલ, કિરણભાઈ મકવાણા સહિત મોટી સંખ્યામાં હાજર રહયા હતાં.*