મીઠું પકવવામાં વિલંબ થતાં આગામી વર્ષોમાં તંગી સર્જાશે
અમદાવાદ, ચોમાસાની પેટર્ન બદલાવાના કારણે વરસાદ લંબાયો છે. જેની ગંભીર અસર ગુજરાતના મીઠા ઉત્પાદન પર થઈ રહી છે. ગુજરાત મીઠાનું સૌથી મોટું ઉત્પાદક છે. છેલ્લા ત્રણ વર્ષથી ચોમાસુ નવરાત્રિ સુધી લંબાઈ રહ્યું છે, જેના કારણે કચ્છ તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં આવેલા મીઠાના અગરોમાં પાણી ભરાયેલા રહે છે. પરિણામે મીઠું પકવી શકાતું નથી અને તેના ઉત્પાદનમાં ઘટાડો નોંધાય છે.
જાે આ જ ટ્રેન્ડ ચાલુ રહ્યો તો મીઠાની ઉપલબ્ધતા પર સંકટ તોળાઈ શકે છે, તેમ ISMA (ઈન્ડિયન સોલ્ટ મેન્યુફેક્ચરર્સ અસોસિએશન)નું કહેવું છે. ISMA અગરિયાઓની ઉચ્ચ સંસ્થા છે અને તેના અંદાજ પ્રમાણે, આગામી ત્રણ વર્ષમાં મીઠાના ઉત્પાદનમાં ૩૦ ટકાથી વધુનો ઘટાડો નોંધાઈ શકે છે. ગુજરાત સરેરાશ ૨.૮૬ કરોડ ટન મીઠાનો ઉપયોગ કરે છે પરંતુ ગત વર્ષે લંબાયેલા ચોમાસાના કારણે ઉત્પાદનમાં ૧ કરોડનો ઘટાડો નોંધાયો હતો.
ISMAના પ્રમુખ ભરત રાવલે જણાવ્યું, આ વર્ષે મીઠું પકવવાની સીઝન ડિસેમ્બર મહિનાના અંતથી શરૂ થઈ શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગ અને કચ્છના નાના રણમાં મીઠું પકવવાના યુનિટ આવેલા છે ત્યાં છેલ્લા બે-ત્રણ અઠવાડિયામાં અંદાજિત આઠ ઈંચ વરસાદ પડ્યો છે. પૂર્વ સમુદ્રતટ પર સાઈક્લોનિક સ્થિતિના કારણે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.
મીઠાના અગર બનાવી શકાય તે રીતે સંપૂર્ણપણે જમીન સૂકાતાં બે મહિનાથી વધુનો સમય લાગી શકે છે. આ વર્ષે તૌકતે વાવાઝોડાના કારણે મીઠાના ઉત્પાદનની સીઝન મે મહિનામાં જ ટૂંકાઈ ગઈ હતી. નવા ઉત્પાદનની સીઝનમાં વધુ વિલંબ થઈ રહ્યો છે ત્યારે આની અસર ઉત્પાદનમાં પણ જાેવા મળશે.
આ વર્ષે અંદાજિત ૧.૭ કરોડ મીઠાનું ઉત્પાદન થશે અને આશા છે કે, મીઠું પકવવાની પ્રક્રિયા ડિસેમ્બરથી શરૂ થશે, તેમ ભરત રાવલે ઉમેર્યું. છેલ્લા બે વર્ષથી વધુ સમયથી ગુજરાતનું મીઠાનું વાસ્તવિક ઉત્પાદન નક્કી કરેલા ઉત્પાદનથી ઓછું થાય છે.
મીઠા ઉત્પાદકોનું માનીએ તો, ૨૦૧૯-૨૦૨૦માં વરસાદ લંબાતા અને દિવાળી દરમિયાન કમોસમી વરસાદ થતાં મીઠું પકવવાની પ્રક્રિયામાં ખલેલ પડી છે. ૨૦૨૦-૨૧માં કોરોનાના લોકડાઉનના કારણે ઉત્પાદન પ્રક્રિયાને અસર થઈ હતી, તેમ ઈન્ડસ્ટ્રીના નિષ્ણાંતોનું કહેવું છે.
૨૦૨૦માં ભારતમાં મીઠાની તંગી ના વર્તાઈ કારણકે લોકડાઉન દરમિયાન ઈન્ડસ્ટ્રી સંપૂર્ણ કાર્યરત નહોતી જેના કારણે એક્સપોર્ટ પર અસર થઈ હતી.
જાેકે, આ વર્ષે લંબાયેલા ચોમાસાના કારણે સીઝન ત્રણ મહિના વિલંબિત થઈ છે, જેથી અમને ભય છે કે, ૨૦૨૨ અથવા ૨૦૨૩માં મીઠાની ઉપલબ્ધિ પર સંકટ આવી શકે છે, તેમ રાવલે ઉમેર્યું, મીઠા ઉદ્યોગના સૂત્રોનું માનીએ તો, ૨.૮૬ કરોડ ટન ઉત્પાદનમાંથી ૮૦ લાખ ટનનો ઉપયોગ ભોજનમાં થાય છે જ્યારે ૧.૨૦ કરોડ ટનનો ઔદ્યોગિક વપરાશ થાય છે. ભારત એક કરોડ ટન મીઠું એક્સપોર્ટ કરે છે.
આપણે ૫૦-૬૦ લાખ ટન મીઠું પરંપરાગત ભાગીદારી ધરાવતા દેશોને આપવું પડે છે. આ દેશો મીઠા માટે સંપૂર્ણપણે આપણાં પર આધારિત છે. એટલે મીઠું મોંઘું નહીં થાય પરંતુ તેની ઉપલબ્ધિની સમસ્યા સર્જાશે, તેમ ISMAના અધિકારીઓએ કહ્યું. ગુજરાતી કેલેન્ડર પ્રમાણે, અષાઢી બીજથી ચોમાસું શરૂ થાય અને મીઠું પકવવાની સીઝનનો અંત આવે.
અષાઢી બીજ સામાન્ય રીતે જુલાઈ મહિનામાં આવે છે અને પરંપરાગત રીતે નવરાત્રિથી વરસાદની સીઝન પૂરી થવા લાગે છે. જેથી મીઠાની નવી સીઝન ઓક્ટોબરથી શરૂ થાય છે.
પરંતુ આ સીઝન છેલ્લા ત્રણ વર્ષથી બે-ત્રણ મહિના મોડી શરૂ થઈ રહી છે. ISMAના ઉપપ્રમુખ શામજી કાગડે કહ્યું, “ગત વર્ષે ચીનમાં ૩૦ લાખ ટન ઓછું મીઠું એક્સપોર્ટ કરવામાં આવ્યું હતું અને આવતા વર્ષે ઊંચા ફ્રેઈટ અને કન્ટેનરના ભાવના કારણે આ જ ટ્રેન્ડ જાેવા મળી શકે છે.
આ કારણે પ્રાદેશિક બજારમાં માગ અને પુરવઠાનો ગેપ પુરવામાં મદદ મળશે. ગુજરાત સ્મોલ-સ્કેલ સોલ્ટ મેન્યુફેક્ચરર્સ અસોસિએશનના પ્રમુખ બચુ આહિરે કહ્યું, “સીઝનના અંતને પાછી ના ઠેલલી શકાય કારણકે વરસાદનો એક રાઉન્ડ જૂન-જુલાઈમાં આવે છે અને ત્યાર પછી લાંબો વિરામ આવતાં સીઝન ટૂંકાઈ જાય છે.SSS