મીનાક્ષીબહેન અને અરવિંદ પટેલે ઘરમાં ૧૦૦ થી વધુ બોનસાઇ વૃક્ષોનું જાણે કે જંગલ ઉછેર્યું છે

વડોદરા, શનિવાર તા.૫મી જૂન એ વિશ્વ પર્યાવરણ દિવસ છે.આજે પ્રકૃતિ અને પર્યાવરણના રક્ષણની વિશ્વના દેશોની સરકારો થી લઈને આમ આદમી સુધી સહુ આલબેલ પોકારી રહ્યાં છે. જો કે ગોત્રીની ઇસ્કોન મંદિરની પાસે રહેતા અને મહાનગર પાલિકાના નિવૃત્ત અધિકારી અરવિંદભાઈ પટેલ અને એમના ધર્મ પત્ની મીનાક્ષી બહેને પોતાના ઘરમાં જ અંદાજે ૧૦૦ થી વધુ બોનસાઇ વૃક્ષો ઉછેરીને જાણે કે પર્યાવરણના રક્ષણ માટે જંગલના ઉછેરી શકો તો કંઈ નહિ,પોતાના ઘરને જ વૃક્ષ ઉછેર દ્વારા બગીચો બનાવી દો તો પણ ઘણું એવો સંદેશ આપ્યો છે.
તેઓ જણાવે છે કે ઘર બગીચા એ પોતાની માલિકીની પ્રાણવાયુની ફેકટરી જેવા ગણાય.એટલે તમે ગમે તેવા નાનકડા ઘરમાં,કુંડામાં ૮ થી ૧૦ છોડ ઉછેરીને જાણે કે પ્રાણવાયુના કારખાનાના માલિક બની શકો છો.આ એક નાનકડું પગલું તમને કોરોના વોરિયર ની જેમ પર્યાવરણ વોરિયર બનાવી શકે છે.યાદ રહે કે આ દંપતી મૂળ તો ખેડૂત સંતાન છે.માટીની માયા એમના લોહીમાં છે.એટલે બોનસાઇ બગીચો ઉછેરીને જાણે કે એમણે માટી સાથેનો પોતાનો ગર્ભ નાળ સંબંધ વધુ પુખ્ત કર્યો છે અને ગામડાનું ગમતું ખેતર ઘરમાં સાકાર કર્યું છે.
એમના ઘર બગીચામાં ફૂલ છોડ,ફળ ઝાડ,ઇમારતી વૃક્ષો, વેલાં,આ બધું જ છે અને તે પણ બોનસાઇ વરાયટીના દિલખુશ સ્વરૂપમાં. અરવિંદભાઈ એ વડોદરા મહાનગર પાલિકામાં જન સંપર્ક,રેવન્યુ સહિત વિવિધ વિભાગો ખૂબ સફળતાપૂર્વક સંભાળ્યા છે.નિવૃત્તિ પછી પણ એમની કાર્ય કુશળતા ને લીધે એમની સેવાઓ લેવામાં આવી છે.તેઓ કહે છે કે હું મૂળ તો ખેડૂત પુત્ર છું.મે હળ હાંકવા સહિત ખેતીના બધાં જ કામો કર્યા છે.આજે નિવૃત્તિ પછી આ બગીચાને પાણી પીવડાવવું,નિંદણ કામ કરવું જેવા કામો કરીને જાણે કે ખેતી કર્યાનો આનંદ મેળવી લઉં છું.જો કે આ ઉછેર અને જતન ની મૂળ મહેનત તો મારા ધર્મ પત્નીની છે.
એમના ઘર બગીચામાં મોસંબી, શેતુર જેવા ફળ વૃક્ષો,આમલી,રાયણ,સેવન, વડ,સીસમ જેવા ગામ અને જંગલમાં જોવા મળતાં વૃક્ષો,ગુલ મહોર, એડેનિયમ,બોગનવેલ અને એક્ઝોરા જેવા પુષ્પ અને શોભાના વૃક્ષો,લતાઓ છે તો ઝેડ પ્લાન્ટ,સનોબુલ,નીકોડેરિયા,કેન્ડલ ટ્રી જેવા અટપટા નામો ધરાવતી વનસ્પતિઓ છે. મિનાક્ષીબેન એ દશેક વર્ષ અગાઉ બોનસાઈની બેઝિક તાલીમ લીધી હતી.