મુંબઇના રસ્તેથી ગુજરાતમાં આવતું ૬૦ લાખનું ડ્રગ્સ ઝડપાયું
અમદાવાદ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એમડી ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કર્યો છે. ક્રાઈમ બ્રાંચે ત્રણ તસ્કરોને પકડી પાડ્યા છે, જેમની પાસેથી ૬૦ લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે. પૂછપરછમાં ત્રણેયે ખુલાસો કર્યો કે ડ્રગ્સ મુંબઈ અને ગોવાથી અમદાવાદમાં સપ્લાઈ થાય છે. ક્રાઈમ બ્રાંચના આૅફિસરે કહ્યું કે, ‘કેટલાક લોકો કાલુપુર રેલવે સ્ટેશને નશીલા પદાર્થ લઈને આવતા હોવાની અમને બાતમી મળી હતી. જેના આધાર પર અમારી ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન બે સંદિગ્ધ દેખાયા, તેમને પકડી લેવામાં આવ્યા છે. તેમની પાસેથી ૪૦૦ ગ્રામ ડ્રગ્સના ત્રણ પેકેટ મળી આવ્યાં છે જેની કિંમત બજારમાં ૬૦ લાખ રૂપિયા થાય છે.’
આ તસ્કરોની ઓળખ અઝહર અને ફૈઝલ ખાન તરીકે થઈ છે, બંને અમદાવાદના કોટ વિસ્તારમાં રહે છે. તેમણે કબૂલ્યું કે ગોવા અને મુંબઈથી મોટા પાયે ગુજરાતમાં ડ્રગ્સ પહોંચાડવામાં આવી રહ્યું છે. તે બંને અન્ય કોઈના કહેવા પર ડિલીવરી આપવા કાલુપુર રેલવે સ્ટેશને આવ્યા હતા. જો કે ત્યારે જ બંનેને પકડી પાડવામાં આવ્યા. બંનેની પૂછપરછના આધારે મુખ્ય આરોપીને પણ દબોચી લેવામાં આવ્યો છે અને પછી ત્રણેયને રિમાન્ડમાં લેવામાં આવ્યા. પાકિસ્તાનથી ભારતમાં ડ્રગ્સની સપ્લાય થાય છે પાકિસ્તાનથી ભારતમાં ડ્રગ્સની સપ્લાય થાય છે ભારતમાં ડ્રગ્સની સપ્લાય મોટા ભાગે પાકિસ્તાનથી થાય છે. કચ્છની નજીક આવેલ સરક્રીક બોર્ડ પર બીએસએફની ટૂકડીને પેટ્રોલ વખતે કેટલીય વખત કરોડોનું ડ્રગ્સ મળી આવ્યું છે.
આ ઉપરાંત સમુદ્રી તટમાં પણ આ વર્ષે ૫૦૦ કરોડના ડ્રગ્સનો ખુલાસો થયો જ્યારે પકડાઈ જવાના ડરે તસ્કરોએ ડ્રગ્સના પેકેટ્સ સમુદ્રમાં જ ફેંકી દીધા હતાં. વિગત મુજબ કોસ્ટગાર્ડે અલ-મદીના નામની બોટમાંથી મે મહિનામાં કરોડોનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. માનવામાં આવી રહ્યું છે કે જે પેકેટ ઓક્ટોબરમાં મળ્યાં, તે કદાચ તે સમયે જ અહીં ફેંકી દેવામાં આવ્યાં હતાં. સુરક્ષાબળોએ ડ્રગ્સના કેટલાય પેકેટ પાણીથી બહાર કાઢ્યા.