મુંબઇની જાહેર પરિવહનની બસોમાં ઉભા રહેવા પર પ્રતિબંધ

મુંબઇ, મહારાષ્ટ્રમાં કોરોનાનાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. રાજ્યમાં કોરોનાને કારણે એક દર્દીનું મોત પણ નીપજ્યું છે. ત્યારે રાજ્યમાં સ્થિતિ વધુ ન વણસે તે માટે અનેક તકેદારી રાખવામાં આવી રહી છે. સરકારની ઓફિસમાં પચાસ ટકા સ્ટાફ ઓછો કરી દેવામાં આવશે. જ્યારે બેસ્ટની જે જાહેર પરિવહન માટેની બસો છે તેમાં બેસીને જ મુસાફરી કરી શકાશે. આવા અગત્યનાં નિર્ણયો લેવામાં આવ્યાં છે.
મુંબઇમાં દેશનાં સૌથી વધુ ૪૩ કેસો નોંધાઇ ચૂક્યા છે અને એક દર્દીનું મોત નીપજ્યું છે. જેના કારણે મહારાષ્ટ્ર સરકારે અનેક તકેદારીનાં પગલા લેવાની જાહેરાત કરી છે. જેમાં જાહેર પરિવહનની બસોમાં મહત્વનો નિર્ણય લેતા કહેવામાં આવ્યું છે કે, મુસાફરોને ઉભા રહીને મુસાફરી નહીં કરી શકાય અહીં બેસીને જ હવે મુસાફરીની છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત દુકાનોનો સમય ઘટાડવા અંગે પણ વિચારણા ચાલી રહી છે. આ સાથે સરકારી કચેરીઓમાં ૫૦ ટકા જ લોકોને બોલાવવામાં આવશે.
મહત્વનું છે કે, મહારાષ્ટ્રનાં સૌથી મોટા મંદિર ગણાતા શીરડી સાંઈ બાબા ટ્રસ્ટ અને સિદ્ધિ વિનાયક દેવસ્થાને શ્રદ્ધાળુઓ માટે દર્શન બંધ કરી દીધા છે. જેથી ભીડ એકઠી ન થાય અને કોરોના વાયરસ ફેલાવાનો ભય ન રહે. મહારાષ્ટ્ર સરકારે મુંબઈ સહિત રાજ્યના શહેરોમાં શાળા-કોલેજો, યુનિવર્સિટી કેમ્પસ, શોપિંગ સેન્ટરો, શોપિંગ મોલ્સ, થિયેટરો, સ્વિમિંગ પૂલ, મોટા મંદિરોને બંધ કરાવી દીધા છે. મોટી સભાઓ અને બેઠકો યોજવા ઉપર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે.