મુંબઇમાં ટાઢનું લખલખું ફરી વળ્યું, ગાજવીજ સાથે વર્ષાનો વરતારો
મુંબઇ, હવામાન ખાતાએ એવી માહિતી આપી હતી કે આજે મુંબઇ ટાઢુંબોળ થઇ ગયું હતું. રવિવારના(કોલાબા-૧૯.૫ઃસાંતાક્રૂઝ-૧૮.૨ ડિગ્રી) લઘુત્તમ તાપમાનની સરખામણીએ આજે કોલાબામાં લઘુત્તમ તાપમાનમાં ૪.૩ ડિગ્રી અને સાંતાક્રૂઝમાં સીધો ૫.૩ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો.
આજે કોલાબામાં મહત્તમ તાપમાન ૨૫.૭ અને લઘુત્તમ તાપમાન ૧૫.૨ ડિગ્રી જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૨૫.૧ અને લઘુત્તમ તાપમાન ૧૩.૨ ડિગ્રી જેટલું ટાઢુંબોળ નોધાયું હતું. લગભગ બે મહિના બાદ પહેલી જ વખત શિયાળાની કડકડતી ટાઢનો માહોલ સર્જાયો હોવાથી મુંબઇગરાં રાજીનાં રેડ થઇ ગયાં છે. બીજીબાજુ આજે મહારાષ્ટ્રનાં પાંચ સ્થળોએ ઠંડીનો પારો ૧૦.૦ અને ૧૦.૦ ડિગ્રી કરતાં પણ નીચો નોંધાયો હતો.
મુંબઇ સહિત નજીકનાં સ્થળોએ અને મહારાષ્ટ્રમાં આવું ટાઢોડું હજી થોડા વધુ દિવસ રહે તેવી શક્યતા છે. બીજીબાજુ હાલ કર્ણાટકથી મધ્ય મહારાષ્ટ્રના આકાશમાં ૦.૯ કિલોમીટરના અંતરે હવાના હળવા દબાણનો પટ્ટો સર્જાયો છે.સાથોસાથ ઉત્તર કોંકણના અને નજીકના ગગનમાં ૧.૫થી ૨.૧ કિલોમીટરના પટ્ટામાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશનની તીવ્ર અસર છે.
આવાં બદલાઇ રહેલાં કુદરતી પરિબળોની તીવ્ર અસરથી ૧૧, જાન્યુઆરીએ મરાઠવાડાનાં બીડ, પરભણી, હિંગોળી, લાતુરમાં હળવી વર્ષા થવાની સંભાવના છે.જ્યારે ૧૧થી૧૩,જાન્યુઆરી દરમિયાન વિદર્ભનાં નાગપુર, વર્ધા, ગોંદિયા, ભંડારા, ગઢચિરોળી, ચંદ્રપુર, યવતમાળ જિલ્લામાં પ્રચંડ મેઘગર્જના, વીજળીના કડાકા, તોફાની પવન સાથે અમુક સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ વરસવાની શક્યતા છે.
હવામાન ખાતાએ એવી માહિતી પણ આપી હતી કે આજે મહારાષ્ટ્રમાં પણ ટાઢનું લખલખું ફરી વળ્યું હોવાના સમાચાર મળે છે. આજે નાશિકમાં લઘુત્તમ તાપમાન ૭.૩ ડિગ્રી,જળગાંવ-૯.૦, મહાબળેશ્વર-૧૦.૪, માથેરાન-૧૦.૬, માલેગાંવ-૧૦.૨, ચીકલથાણા-૧૧.૦, પુણે-૧૨.૦,જાલના-૧૨.૦, બરામતી-૧૩.૮, સાતારા-૧૫.૦, દહાણુ-૧૫.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
મુંબઇમાં ટાઢનું લખલખું ફરી વળ્યું હોવાથી આખો દિવસ રસ્તા પર, કરિયાણાની દુકાનોમાં અને મોલમાં ખરીદી માટે બહુ ઓછાં લોકો જાેવા મળ્યાં હતાં. જાેકે વડાં પાઉ અને ભજિયાંની દુકાનોમાં અને વાઇન શોપમાં ગીરદી જાેવા મળી હોવાના અહેવાલ મળે છે.
ટાઢાબોળ વાતાવરણમાં મુંબઇગરાંએ ગરમાગરમ વડાં-ભજિયાંનો ભરપૂર સ્વાદ માણ્યો હતો. તો શરાબ શોખીનોએ પણ મોજમસ્તી માણી હોવાના અહેવાલ મળે છે.HS