Western Times News

Gujarati News

મુંબઇમાં હજુ પણ અતિ ભારે વરસાદની ચેતવણી અકબંધ

મુંબઇ :  દેશના વાણિજ્ય પાટનગર મુંબઇમાં અતિ ભારે વરસાદ બાદ સ્થિતિ હજુ પણ સંપૂર્ણપણે સુધરી નથી ત્યારે ફરી એકવાર આવતીકાલે ગુરૂવારના દિવસે અતિ ભારે વરસાદ પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે. આની સાથે જ તંત્ર સાબદુ થઇ ગયુ છે. મુંબઇમાં ચાર દિવસના ગાળામાં ૩૧ ઇંચથી વધારે વરસાદ થતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ ગઇ છે. નીચાણવાળા વિસ્તારમાં તો હજુ પાણી ભરાયેલા છે અને લોકો મુશ્કેલી ઉઠાવી રહ્યા છે. છેલ્લા ૪૪ વર્ષમાં આવો જારદાર વરસાદ થયો છે. મહારાષ્ટ્રમાં હજુ પણ ભારે વરસાદ થઇ શકે છે.

સ્કાયમેટના કહેવા મુજબ છેલ્લા ચાર દિવસના ગાળા દરમિયાન મુંબઇમાં ૭૯૫ મીમી વરસાદ એટલે કે ૩૧ ઇંચથી વધારે વરસાદ થઇ ગયો છે. મુંબઇમાં આવતીકાલે ચોથી જુલાઇના દિવસે ચાર ઇંચ સુધીનો વરસાદ થઇ શકે છે. મુંબઇ માટે હાઇ ટાઇડની ચેતવણી જારી કરવામાં આવી છે. મુંબઇના જુદા જુદા ભાગોમાં હળવા ઝાપટા જારી રહ્યા છે. બીજી બાજુ વરસાદ સંબંધિત ઘટનાઓ બનવાનો સિલસિલો જારી રહ્યો છે.

મુંબઇમાં છેલ્લા કેટલાક દશકોમાં સૌથી વધારે વરસાદ થયો છે. પુણે અને મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે દિવાળ ધસી પડવાની જુદી જુદી ઘટનામાં ૩૬થી વધુ લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં તો પાંચથી છ ફુટ સુધીના પાણી ભરાઇ ગયા હતા. જા કે તંત્રના પગલાના લીધે પાણી ઉતરી રહ્યા છે. જનજીવન સામાન્ય કરવાના પ્રયાસ યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે.

ભારે વરસાદના કારણે ગઇકાલે મુંબઇ એરપોર્ટ ખાતેથી ૫૪થી વધારે ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી હતી. મુંબઈ વિમાની મથક ખાતે સેવા બંધ કરવામાં આવ્યા બાદ તેને ફરી શરૂ કરવામાં આવી છે. અતિ ભારે વરસાદની ચેતવણી હજુ પણ જારી કરવામાં આવી છે. શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બની ગયા હતા. પાણી ભરાઇ જવાના કારણે ભારે અંધાધુંધી ફેલાઇ ગઇ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.