મુંબઇ: મલાડમાં ત્રણ માળનું મકાન ધરાશાયી, ઘણા લોકો દટાયેલા હોવાની આશંકા

મુંબઈ, મુંબઈના મલાડમાં એક મોટો અકસ્માત સર્જોયો છે જેમાં ત્રણ માળની બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી થયો હતો. આ ઘટનામાં ઘણા લોકોના દટાયા હોવાની શક્યતા સેવાઈ રહી છે. જ્યારે 4 ઘાયલ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
વરસાદી માહોલમાં ઘણી એવી જર્જરીત ઈમારતો ધરાશાયી થવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. ત્યારે મુંબઈમાં આવી જ એક ઘટના બની છે. જેમાં મુંબઈ શહેરના મલાડમાં ત્રણ માળની ઈમારતનો એક ભાગ ધરાશાયી થઈ ગયો છે. આ ઘટનાની જાણ ફાયરને કરતા કાફલો તાત્કાલિક ઘટના સ્થળે આવી બચાવ કામગીરી હાથ ધરી છે. જો કે આ ઘટનાને લઈ ફાયર અધિકારીએ જણાવ્યું હતું કે, ઈજાગ્રસ્ત 4 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે અને કુલ અન્ય લોકો હજી પણ કાટમાળમાં ફસાયા છે, જેમનું સ્થળાંતર કરવાની કામગીરી ચાલુ છે. ચાર ફાયર બ્રિગેડ, એક રાહત વાહન અને એમ્બ્યુલન્સને સ્થળ પર મોકલી દેવામાં આવી છે અને રાહત કામગીરી ચાલુ છે.
તેમણે કહ્યું કે, ઈમારતનો ભાગ પડવાની આ ઘટના ગુરુવારે બપોરે અઢી વાગ્યાની આસપાસ બની હતી. આ ચાલી માલવાની ગેટ નંબર પાંચ પર આવેલી હતી. કાટમાળ નીચે પાંચથી છ લોકોને દટાયેલા છે જેમાથી ચારને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે.