મુંબઈથી દુબઈ ફ્લાઈટમાં માત્ર એક જ પેસેન્જર હતો
મુંબઈ: સૌથી વ્યસ્ત રુટમાંના એક ગણાતા મુંબઈ-દુબઈ રુટ પર કોઈ પ્લેન એક જ પેસેન્જર સાથે ઉડાન ભરે તે વાત માનવામાં અઘરી લાગે, પરંતુ આવું ખરેખર થયું છે. ૧૯મી મેના રોજ અમિરાતનું બોઈંગ ૭૭૭ માત્ર એક જ પેસેન્જર સાથે મુંબઈથી દુબઈ જવા રવાના થયું હતું. જેમાં ટ્રાવેલ કરનારા એકમાત્ર પેસેન્જર બીજા કોઈ નહીં, પરંતુ મૂળ ગુજરાતી વેપારી ભાવેશ ઝવેરી હતા. આ મુસાફરી માટે તેમણે ઈકોનોમી ક્લાસની ટિકિટ લીધી હતી, જેના માટે માત્ર રુ. ૧૮,૦૦૦ ચૂકવવામાં આવ્યા હતા. ભાવેશભાઈએ પોતાની દુબઈ સ્થિત ઓફિસેથી વાત કરતાં જણાવ્યું હતું કે, તેઓ જ્યારે એરક્રાફ્ટમાં પ્રવેશ્યા ત્યારે એરહોસ્ટેસે તાળી પાડી તેમને વધાવ્યા હતા. તેઓ મુંબઈ-દુબઈ રુટના ફ્રિકવન્ટ ફ્લાયર છે,
છેલ્લા ૨૦ વર્ષમાં ૨૪૦થી વધુ વાર ટ્રાવેલ કરી ચૂક્યા છે. જાેકે, પહેલીવાર તેમનું સ્વાગત તાળીઓના ગડગડાટ સાથે કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે મુંબઈ-દુબઈ રુટ પર મુસાફરી તેમના માટે નવાઈની વાત જ નથી, પરંતુ આ વખતનો તેમનો અનુભવ ખાસ્સો અલગ જ રહ્યો. પ્લેનમાં તેઓ એન્ટર થયા ત્યારે પાઈલટે કોકપીટમાંથી જ તેમનું અભિવાદન કર્યું હતું. એક એરહોસ્ટેસ તો તેમની પાસે આવીને કહી ગઈ કે, ‘અમને લાગ્યું કે એકલા મુસાફરી કરવામાં આપને ડર લાગશે.’ તેમને કયા નંબરની સીટ પર બેસવું છે તેનો ઓપ્શન પણ અપાયો હતો,
ભાવેશભાઈએ પોતાના લકી એવા ૧૮ નંબરની સીટ પસંદ કરી હતી. પાઈલટે કોકપીટમાંથી બહાર આવી ભાવેશભાઈ સાથે મજાક કરતા કહ્યું હતું કે શું હું તમને આ પ્લેનની ટુર કરાવી શકું? ફ્લાઈટ મુંબઈથી ઉડીને દુબઈ પહોંચી ત્યાં સુધીમાં સીટ બેલ્ટ પહેરવાથી લઈને ફ્લાઈટ લેન્ડ થઈ રહી છે ત્યાં સુધીની તમામ સૂચના પણ માત્ર ભાવેશભાઈને ઉદ્દેશીને આપવામાં આવી હતી. તેઓ લેન્ડ થયા ત્યારે પણ કન્વેયર બેલ્ટ પર માત્ર તેમની જ બેગ હતી. ભાવેશભાઈએ જે એરક્રાફ્ટમાં મુંબઈથી દુબઈની ‘રોયલ’ મુસાફરી કરી તે બોઈંગ ૭૭૭ની ગણના દુનિયાના સૌથી મોટા ટ્વીન એન્જિન એરક્રાફ્ટ તરીકે થાય છે, જેનું વજન ૧૭ ટન છે અને મુંબઈથી દુબઈ પહોંચવા માટે તેમાં ૮ લાખ રુપિયાનું ફ્યુઅલ બાળવું પડે છે.
આ રુટ પ્લેન અઢી કલાકમાં કવર કરી લે છે. ભારતમાં કોરોનાની બીજી વેવ આવી ત્યારથી ઘણા દેશોએ ભારતીયોની એન્ટ્રી પર આકરા નિયંત્રણો લાદ્યા છે, તેમજ ફ્લાઈટ્સ પણ સસ્પેન્ડ કરી દીધી છે. યુએઈ પણ તેમાંથી બાકાત નથી, પરંતુ યુએઈના નાગરિકો તેમજ ગોલ્ડન વિઝાધારકોને તેમાં મુક્તિ આપવામાં આવી છે. વળી, દુબઈથી આવતી ફ્લાઈટ પર ભારતમાં કોઈ નિયંત્રણો નથી. જેથી આ ફ્લાઈટ દુબઈથી તો અહીં આવી ગઈ હતી.